તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th July 2026
વેરાવળ બાદ હવે તાલાલા અને સુત્રાપાડા પંથકમાં વરસાદી ઝાપટાં
આગોતરું વાવેતર કરનાર ખેડૂતોમાં ભારે ખુશી વ્યાપી અને ઉકળાટમાંથી રાહત મળી

સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળમાં ગત દિવસોમાં થયેલા વરસાદ બાદ મેઘરાજાએ હવે ગીરના અન્ય મહત્વના વિસ્તારો તરફ પ્રયાણ કર્યું છે. આજે વહેલી સવારથી જ સુત્રાપાડા તાલુકાના ગ્રામીણ વિસ્તારો અને તાલાલા પંથકમાં આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું. જોતજોતામાં ઠંડા પવનોના સુસવાટા સાથે સુત્રાપાડા પંથકમાં મુશળધાર વરસાદી ઝાપટાં તૂટી પડ્યા હતા, જ્યારે તાલાલા શહેરી વિસ્તાર અને ગીરની સરહદે આવેલા ગામડાઓમાં ધીમીધારે ઝરમર મેઘમહેર શરૂ થઈ ગઈ છે.
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા અને તાલાલા પંથકમાં પિયતની સગવડ ધરાવતા અસંખ્ય પ્રગતિશીલ ખેડૂતોએ ચોમાસાના સત્તાવાર પ્રારંભ પહેલા જ પોતાના ખેતરોમાં મગફળી અને કપાસનું આગોતરું વાવેતર કરી દીધું હતું. વાવણી કર્યા બાદ છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ ખેંચાતા અને અસહ્ય ગરમી પડવાના કારણે વાવેતર નિષ્ફળ જવાનો ભય ખેડૂતોને સતાવી રહ્યો હતો. ધરતીપુત્રો મેઘરાજાને આજીજી કરી રહ્યા હતા, ત્યારે જ કુદરતે રૂડો અવસર આપ્યો છે.
. સુત્રાપાડા અને તાલાલામાં પડેલા આ વરસાદથી સમગ્ર વાતાવરણ એકદમ આહલાદક, ગ્રીન અને ઠંડુગાર બની ગયું છે. ગીરના જંગલ વિસ્તારની આસપાસ પ્રકૃતિ ખીલી ઉઠતાં સ્થાનિક પ્રવાસન અને પર્યટકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સ્થાનિક વેધર સેન્ટરના જણાવ્યા મુજબ ગીરમાં ચોમાસું પૂરેપૂરું સક્રિય થઈ ગયું છે અને આગામી દિવસોમાં અહીં ભારે વરસાદની ઇનિંગ જોવા મળી શકે છે.
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
