<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

ઢોલ-નગારાના નાદ સાથે મતદાન મથકે પહોંચ્યા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી : સહપરિવાર નિભાવી લોકશાહીની ફરજ : જુઓ વિડિયો

ભાવનગરમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં સોસાયટીના રહીશો સાથે વાજતે-ગાજતે કર્યું મતદાન, મંત્રીએ કહ્યું- “મતદાન પવિત્ર ફરજ, લોકશાહીનું પર્વ મતદાન કરીને ઉજવીએ”; પ્રથમ વખતના યુવા મતદારોને કરી ખાસ અપીલ

ભાવનગર તા.૨૬ :  સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-2026 અંતર્ગત ભાવનગર જિલ્લામાં ઉત્સાહપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ લોકશાહીના મહાપર્વમાં સહભાગી થવા માટે કેબિનેટ કૃષિ મંત્રી અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ આજે સવારે સહપરિવાર મતદાન કરીને લોકશાહીની ફરજ અદા કરી હતી.

 

નાગરિકોને મતદાન પ્રત્યે પ્રોત્સાહિત કરવા માટે મંત્રી જીતુભાઈ વાઘાણી તેમના નિવાસસ્થાનથી સોસાયટીના રહીશો સાથે ઢોલ-નગારાના નાદ અને વાજતે-ગાજતે મતદાન મથક સુધી પહોંચ્યા હતા. ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી અંતર્ગત નિયત મતદાન મથક પર પહોંચી તેમણે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

 

મતદાન કર્યા બાદ મંત્રીશ્રીએ પોતાની આંગળી પર લાગેલી શાહીનું નિશાન ગર્વભેર દર્શાવીને જણાવ્યું કે, “મતદાન કરવું એ દરેક નાગરિકની પવિત્ર ફરજ છે. લોકશાહીનું પર્વ મતદાન કરીને ઉજવીએ.” તેમણે ભાવનગરના તમામ નગરજનોને લોકશાહીના આ પર્વમાં મહત્તમ મતદાન કરવા અપીલ કરી હતી.

 

ખાસ કરીને પ્રથમ વખત મતદાન કરનારા નવયુવાનોને સંબોધીને મંત્રીશ્રીએ કહ્યું કે, યુવા પેઢી લોકશાહીને વધુ મજબૂત બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. તેથી દરેક યુવાન મતદારે અચૂક મતદાન કરવું જોઈએ.

 

ભાવનગરમાં મંત્રીના મતદાનથી મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

(11:04 AM IST)