News of Monday, 18th May 2026
કલ્યાણપુરના રણજીતપુર ગામે ધાર્મિક પ્રસંગ પતાવી પરત ફરતા આહીર પરિવારની કાર ભડભડ સળગી : કારમાંથી બહાર ન નીકળી શકતાં હોટલ વ્યવસાયી પિતા અને પુત્રી જીવતા ભૂંજાઈ જતાં કરુણ મોત
રાજકોટમાં હોટલના ધંધા સાથે સંકળાયેલો પરિવાર વતનમાં આવ્યો હતો : ગામથી એક કિલોમીટર દૂર ચાલતી ગાડીમાં આગ લાગતાં આખી કાર ભસ્મીભૂત થઈ : પાછળ બેઠેલાં પત્ની બહાર નીકળી જતાં સામાન્ય ઈજા સાથે આબાદ બચાવ

(કૌશલ સવજાણી દ્વારા)જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રણજીતપુર ગામે એક અત્યંત હૃદયદ્રાવક અને કમકમાટીભરી ઘટના સામે આવી છે. વતનમાં ધાર્મિક પ્રસંગ પૂર્ણ કરીને કારમાં પરત ફરી રહેલા આહીર પરિવારની ચાલતી ગાડીમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળી હતી. આગ એટલી ઝડપથી પ્રસરી ગઈ હતી કે આખી કાર જોતજોતામાં ભસ્મીભૂત થઈ ગઈ હતી. કારમાં સવાર પિતા અને પુત્રી સમયસર બહાર નીકળી ન શકવાના કારણે ગાડીની અંદર જ જીવતા સળગી ગયા હતા અને બંનેના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે. જ્યારે કારમાં પાછળ બેઠેલાં પત્ની કોઈક રીતે બહાર નીકળી જવામાં સફળ રહેતાં તેમનો સામાન્ય ઈજાઓ સાથે ચમત્કારીક બચાવ થયો છે. આ કરુણ અકસ્માતને પગલે રણજીતપુર પંથકમાં ભારે અરેરાટી સાથે શોકની કાલીમા છવાઈ ગઈ છે.
ધાર્મિક પ્રસંગ માટે રાજકોટથી વતન આવ્યા હતા:
મળતી વિગતો મુજબ, મૂળ કલ્યાણપુર તાલુકાના રણજીતપુર ગામના વતની અને હાલ રાજકોટ ખાતે રહીને હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા વલ્લભભાઈ આહીર પોતાના પરિવાર સાથે વતનમાં આવ્યા હતા. વલ્લભભાઈ, તેમના પત્ની અને તેમની પુત્રી રણજીતપુર ગામે આયોજિત એક ધાર્મિક પ્રસંગમાં હાજરી આપવા માટે આવ્યા હતા. વતનમાં ધાર્મિક કાર્ય ખૂબ જ હર્ષોલ્લાસ સાથે પૂર્ણ કર્યા બાદ, વલ્લભભાઈ આહીર પોતાના પરિવાર સાથે કારમાં બેસીને પરત જવા માટે રવાના થયા હતા.
ગામથી એક જ કિલોમીટર દૂર કાર બની ગઈ અગ્નિગોળો:
પરિવાર હજુ તો ધાર્મિક પ્રસંગ પતાવીને ખુશી-ખુશી કાર લઈને નીકળ્યો જ હતો, ત્યાં રણજીતપુર ગામથી માંડ એક કિલોમીટર દૂર પહોંચતા જ ચાલતી કારમાં અચાનક કોઈ કારણોસર ભયાનક આગ ફાટી નીકળી હતી. આગની લપેટોએ જોતજોતામાં આખી કારને પોતાની ઝપેટે લઈ લીધી હતી. આગળની સીટ પર બેઠેલા પિતા વલ્લભભાઈ આહીર અને તેમની પુત્રી ગાડીના દરવાજા ખોલીને બહાર નીકળી શકે તે પહેલાં જ આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે બંને પિતા-પુત્રી કારની અંદર જ ફસાઈ ગયા હતા અને સળગી જવાથી બંનેના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.
પાછળ બેઠેલાં પત્નીનો આબાદ બચાવ - પોલીસ તપાસ શરૂ:
આ ભયાનક અકસ્માત વખતે કારમાં પાછળની સીટ પર બેઠેલાં વલ્લભભાઈના પત્ની સમયસૂચકતા વાપરીને સળગતી કારમાંથી બહાર નીકળી જવામાં સફળ રહ્યા હતા. સદનસીબે તેઓ કારમાંથી બહાર કૂદી જતાં તેમને માત્ર સામાન્ય ઈજાઓ જ થઈ હતી અને તેમનો જીવ બચી ગયો હતો. આ અકસ્માતમાં આખી કાર બળીને ખાખ થઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને કલ્યાણપુર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસ દ્વારા બંને મૃતકોના શબને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ સાથે જ જિલ્લા પોલીસ વડા પણ હરકતમાં આવ્યા છે અને ચાલતી ગાડીમાં આગ કયા કારણોસર લાગી તે અંગે ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે. નાનકડા રણજીતપુર ગામના આહીર પરિવારના પિતા-પુત્રીના આવા આકસ્મિક મૃત્યુથી સમગ્ર ગામમાં ભારે શોક વ્યાપી ગયો છે.
(7:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
