હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જામનગર મહાનગરપાલિકાની ડિમોલિશન કાર્યવાહી દરમિયાન જડેશ્વર પાર્કમાં 40 વર્ષથી વસતા આહીર પરિવારનું મકાન તોડી પડાયું, 80 વર્ષીય નંદુબેન સાથે સુરક્ષાકર્મીઓએ કરેલી કથિત ગેરવર્તણૂકથી ભારે રોષ
શ્રી આહીર સમાજના આગેવાનોએ કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવી ઉચ્ચસ્તરીય નિષ્પક્ષ તપાસ, જવાબદારો સામે કાર્યવાહી અને ભવિષ્ય માટે માર્ગદર્શિકા જાહેર કરવાની માંગ ઉઠાવી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૦ : જામનગર શહેરના લાલપુર રોડ નજીક સાધના કોલોની પાસે આવેલા જડેશ્વર પાર્ક વિસ્તારમાં થયેલી મકાન તોડફોડની કાર્યવાહી અને તે દરમિયાન વયોવૃદ્ધ મહિલા સાથે થયેલી કથિત ગેરવર્તણૂક મામલે શ્રી આહીર સમાજ - જામનગર દ્વારા આજે 20 મેના રોજ જિલ્લા કલેક્ટરને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી ઉચ્ચસ્તરીય અને નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી છે.
આવેદનપત્રમાં જણાવાયું છે કે વયોવૃદ્ધ દંપતી નંદુબેન નારણભાઈ બેરા અને તેમના પરિવારજનોએ આશરે છેલ્લા 40 વર્ષથી આ સ્થળે શાંતિપૂર્ણ રીતે વસવાટ કર્યો હતો. થોડા દિવસો પૂર્વે જામનગર મહાનગરપાલિકા દ્વારા મકાન દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તે સમયે પોતાના રહેઠાણને બચાવવાના પ્રયાસ દરમિયાન વયોવૃદ્ધ નંદુબેન સાથે સુરક્ષાકર્મીઓ દ્વારા અયોગ્ય વર્તન કરવામાં આવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ, આશરે 80 વર્ષીય નંદુબેનને બળજબરીપૂર્વક પોલીસ વાહનમાં બેસાડવાની ઘટનાએ લોકોમાં ભારે રોષ અને દુઃખની લાગણી ફેલાવી છે. આ સમગ્ર ઘટનાક્રમના દૃશ્યો સામે આવતા નાગરિકોમાં પણ વ્યાપક ચિંતા વ્યાપી છે.
આહીર સમાજે જણાવ્યું છે કે કાયદો અને વ્યવસ્થાની જવાબદારી નિભાવતી સંસ્થાઓ પાસેથી ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓ પ્રત્યે સંવેદનશીલ અભિગમ અપેક્ષિત હોય છે. આવી ઘટનાઓથી સમાજમાં નકારાત્મક સંદેશ જાય છે અને વહીવટી તંત્રની કાર્યપદ્ધતિ સામે પ્રશ્નો ઊભા થાય છે.
આથી સમાજ દ્વારા સમગ્ર ઘટનાની ઉચ્ચસ્તરીય અને તટસ્થ તપાસ કરી જવાબદાર કર્મચારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવા તેમજ ભવિષ્યમાં આવી પરિસ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે જરૂરી માર્ગદર્શિકા જાહેર કરવાની માંગ કરવામાં આવી છે.
આવેદનપત્ર આપવા સમયે આહીર સમાજના પ્રમુખ એડવોકેટ રણમલભાઈ કાંબરીયા ઉપરાંત જામનગર આહીર સમાજના અન્ય અગ્રણી ભાઈઓ-બહેનો તથા જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
