<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th September 2026

રામપરા ગીર ખાતે આઈશ્રી રૂપલ માનો ૩૬મો જન્મોત્સવ અને જન્માષ્ટમી પર્વ ભવ્યતાથી ઉજવાયો : હજારો ભક્તો ઉમટ્યા

‘શ્રી નવદુર્ગા શક્તિ તીર્થ’ ખાતે ભક્તિસંગીત, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન : આઈશ્રી રૂપલ માએ દહેજ નાબૂદી, દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અને ગૌસેવા માટે સમાજને પ્રેરક સંદેશ આપ્યો

સંજય ડાંગર દ્વારા (ધ્રોલ) : જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના રામપરા (ગીર) સ્થિત પાવન ધામ 'શ્રી નવદુર્ગા શક્તિ તીર્થ' ખાતે ચારણ જગદંબા પૂજ્ય આઈશ્રી રૂપલ માનો ૩૬મો જન્મોત્સવ તેમજ શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ ભારે હર્ષોલ્લાસ અને ભક્તિસભર માહોલમાં સંપન્ન થયો હતો. 'માં રૂપલધામ ચેરિટેબલ ટ્રસ્ટ' દ્વારા આયોજિત આ દ્વિ-પર્વ મહોત્સવમાં સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં માઈભક્તો ઉપસ્થિત રહ્યા હતા. મહોત્સવ દરમિયાન દર્શન, ભક્તિસંગીત, ભવ્ય સંતવાણી તેમજ રાત્રે ૧૨ કલાકે કૃષ્ણ જન્મોત્સવની આરતી અને મહાપ્રસાદનું સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું.

દિવ્ય પ્રાગટ્ય અને ધામનો મહિમા:
આલસુર આપા અને ધાનબાઈ માના ખોળે ૧૪ ઓગસ્ટ ૧૯૯૦ (શ્રાવણ વદ આઠમ)ના રોજ જન્મેલા આઈશ્રી રૂપલ માને ચારણ પરંપરામાં સાક્ષાત આઈશ્રી નાગબાઈ માનું દિવ્ય સ્વરૂપ માનવામાં આવે છે. માત્ર ૧૦ વર્ષની વયે ગીરના રામપરા નેહડા ખાતે યોજાયેલ ચારણ સંમેલન અને નવચંડી યજ્ઞથી તેમની દિવ્ય શક્તિનો પરિચય જગતને થયો હતો. હાલ ૭૦૦ મીટર દૂર વાડી વિસ્તારમાં નિર્માણ પામેલા નૂતન 'નવદુર્ગા શક્તિ તીર્થ' ખાતે શિખરબદ્ધ મંદિર, આશ્રમ, અન્નક્ષેત્ર અને આઈ આરાધના ભવન આવેલાં છે. મંદિરના પ્રવેશદ્વારે સીરાજીસાઈની લીલી ધજા અને રોજિંદા લોબાન ધૂપ સાથે આ સ્થાનક સર્વધર્મ સમભાવ અને કોમી એખલાસનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

શિક્ષણ, કુરિવાજ નાબૂદી અને સામાજિક ક્રાંતિ:
આઈશ્રી રૂપલ માએ ભક્તિ સાથે સમાજ સુધારણાનો પણ ઉમદા રાહ ચિંધ્યો છે. આઈશ્રી સોનલ માના આદર્શોને અનુસરી કુરિવાજોની નાબૂદી અને શિક્ષણના પ્રસાર અર્થે આશ્રમ ખાતે 'સોનલ વિદ્યા ભવન' કાર્યરત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે આઈશ્રી રૂપલ માએ આહવાન કરતાં જણાવ્યું હતું કે, "દીકરી સાપનો ભારો નહીં, પણ લક્ષ્મીનું સ્વરૂપ અને તુલસીનો ક્યારો છે." તેમણે દહેજ જેવી સામાજિક બદીઓ દૂર કરી દીકરીઓને ઉચ્ચ શિક્ષણ આપી સશક્ત બનાવવા તેમજ પર્યાવરણ, સ્વચ્છતા અને ગૌસેવા પ્રત્યે જાગૃત રહેવા સમાજને પ્રેરક સંદેશ આપ્યો હતો.

(11:22 AM IST)