હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સુરેન્દ્રનગરમાં ખોટી નંબર પ્લેટનો કીમિયો ફેલ:1.42 કરોડના દારૂ સાથે ટ્રક ઝડપાયો : ચાલક ફરાર
માલવણ-વિરમગામ હાઈવે પર બજાણા પોલીસની સફળ કામગીરી, ટ્રકમાંથી 34,236 બોટલ વિદેશી દારૂનો જથ્થો જપ્ત, ઝારખંડ પાસિંગના ટ્રક પર લગાવી હતી ખોટી નંબર પ્લેટ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા.૩૦ : ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂની હેરાફેરીની ગતિવિધિઓ અટકવાનું નામ નથી લઈ રહી. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના બજાણા પોલીસે દારૂની હેરાફેરી સામે લાલ આંખ કરી મોટી કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ, બજાણા પોલીસને ખાનગી બાતમી મળી હતી કે માલવણ-વિરમગામ હાઈવે પર વિદેશી દારૂ ભરેલો એક ટ્રક પસાર થવાનો છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન સદલા ગામના બોર્ડ પાસે શંકાસ્પદ ટ્રક દેખાતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ચાલકે ટ્રક ઉભો રાખવાને બદલે ભગાવી મૂક્યો હતો.
પોલીસે ટ્રકનો પીછો કરતા ચાલક ગભરાઈ ગયો અને સદલા ગામના બોર્ડ પાસે જ ટ્રક બિનવારસુ હાલતમાં મૂકી અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો.
બાદમાં પોલીસે ટ્રકની તલાશી લેતા અંદરનો નજારો જોઈ ચોંકી ઉઠી હતી. ટ્રકમાંથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ *34,236 નાની-મોટી બોટલો* મળી આવી હતી. પોલીસે આ દારૂની બજાર કિંમત *₹1.02 કરોડ* આંકી છે. જ્યારે દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલો *₹40 લાખની કિંમતનો ટાટા 4830 ટ્રક* પણ કબજે કરવામાં આવ્યો છે. આમ કુલ *₹1.42 કરોડથી વધુનો મુદ્દામાલ* જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસ તપાસમાં સૌથી ચોંકાવનારો ખુલાસો થયો છે. દારૂની હેરાફેરી માટે ટ્રક પર ખોટી નંબર પ્લેટ લગાવવામાં આવી હતી. ટ્રકનો અસલ નંબર *JH.20.H.5568* છે અને તે ઝારખંડ રાજ્ય પાસિંગનો હોવાનું સામે આવ્યું છે. પોલીસથી બચવા માટે બુટલેગરો દ્વારા ખોટી નંબર પ્લેટનો કીમિયો અજમાવવામાં આવ્યો હતો.
હાલ બજાણા પોલીસે ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે. આટલો મોટો દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, ક્યાં પહોંચાડવાનો હતો અને આ નેટવર્કમાં બીજા કયા શખ્સો સંડોવાયેલા છે, તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
