<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

ભુજના સર્વાંગી વિકાસ અને નાગરિકોની સુખાકારી માટે સૌએ સાથે મળીને પ્રયાસો કરવા જરૂરી

ભુજ સિટી કાઉન્સિલ દ્વારા વિશ્વ શહેર દિવસ નિમિત્તે ‘આપણાં ભુજને ઉજવીએ’ કાર્યક્રમ યોજાયો; શહેરના વારસા, સંસ્કૃતિ અને માનવ-પ્રાણી કલ્યાણ માટે કાર્યરત સેવાભાવી નાગરિકોનું સન્માન કરી સંરક્ષણ અને સહિયારી જવાબદારીનો સંદેશ અપાયો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૪ : વિશ્વ શહેર દિવસ નિમિત્તે Homes In The City (HIC), ભુજ પર્યાવરણ અને સુશાસન યુવા મંચ તથા ભુજ સિટી કાઉન્સિલના સંયુક્ત ઉપક્રમે રઘુનાથજીના આરો ખાતે ‘આપણાં ભુજને ઉજવીએ’ કાર્યક્રમ યોજાયો હતો. ભુજની ઐતિહાસિક ધરોહર, કલા, સંસ્કૃતિ અને વિશિષ્ટ ઓળખની ઉજવણી સાથે શહેરના વિકાસ અને સંરક્ષણમાં નાગરિકોની સહભાગિતા વધારવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો, સામાજિક કાર્યકરો અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં ભુજના ઇતિહાસ, સંસ્કૃતિ તેમજ માનવ પ્રાણી કલ્યાણ માટે નિઃસ્વાર્થ સેવા આપનાર સેવાભાવી વ્યક્તિત્વો દલપતભાઈ દાણીધારીયા, બાબુભાઈ તન્ના, પ્રબોધભાઈ મુનવર, એમ. આઈ. બાયડ, દેવાંગી મહેતા (Puppy Cuddles), કાંતિલાલ આર્ય અને મિતેશભાઈ શાહનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સન્માનિત વ્યક્તિઓના પ્રેરણાદાયી વક્તવ્યોએ ઉપસ્થિત નાગરિકોમાં સેવાભાવ અને સામાજિક જવાબદારીની ભાવનાને પ્રોત્સાહન આપ્યું હતું.

કચ્છ રાજ પરિવારના પ્રતિનિધિ મયુરધ્વજસિંહ જાડેજા (તેરા ઠાકોર)એ ઉપસ્થિત રહી આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા અને ભુજના વારસા તથા લોકહિતનાં કાર્યોમાં સતત સહયોગ આપવાની ખાતરી વ્યક્ત કરી હતી. ભુજ સિટી કાઉન્સિલના પ્રમુખ ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ભુજના સર્વાંગી વિકાસ અને નાગરિકોની સુખાકારી માટે સરકાર, સામાજિક સંસ્થાઓ, NGO, દાતાશ્રીઓ અને નાગરિકોએ સાથે મળીને પ્રયાસો કરવા જરૂરી છે.

વોર્ડ નં. 2ના કાઉન્સિલર ફકીરમામદ કુંભાર અને ચેતનભાઈ શાહે પણ આયોજકોના પ્રયાસોને બિરદાવ્યા હતા. તેમણે રઘુનાથજીના આરો સહિતનાં ઐતિહાસિક સ્થળો અને શહેરની ધરોહરના સંરક્ષણ માટે નાગરિકો તથા સંસ્થાઓને આગળ આવવા અપીલ કરી હતી.

HICના ડિરેક્ટર અસીમ મિશ્રએ વિશ્વ શહેર દિવસના મહત્વ પર પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે શહેરની સાચી ઓળખ માત્ર રસ્તાઓ અને ઇમારતોથી નહીં, પરંતુ ત્યાંના લોકો, સંસ્કૃતિ, વારસા, કુદરતી સંસાધનો અને નાગરિકોની સહભાગિતાથી બને છે. ભુજની ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિશિષ્ટતા જાળવવા દરેક નાગરિકે પોતાની જવાબદારી નિભાવવી જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું.

કાર્યક્રમનું સંચાલન જય અંજારિયાએ કર્યું હતું. આયોજનને સફળ બનાવવા HIC ટીમનાં રિજીન, દીપાલી, નયના અને કરિશ્માએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ પ્રસંગે KMVS, સખી સંગિની સહિત HICનાં અન્ય ભાગીદાર સંગઠનોના પ્રતિનિધિઓ, યુવાનો અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં ભુજના વારસાની જાળવણી અને શહેરના ભવિષ્યના ઘડતરમાં નાગરિકોની સહિયારી જવાબદારીનો સુંદર સંદેશ પ્રસર્યો હતો.

(9:15 AM IST)