News of Wednesday, 25th November 2026
કચ્છની તમામ છ વિધાનસભા બેઠકો પર ભવ્ય નૂતન વર્ષ સ્નેહમિલન યોજાયા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ, ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ પણ વર્ચ્યુઅલી માર્ગદર્શન આપ્યું

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૫ : ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા રાજ્યની તમામ ૧૮૨ વિધાનસભા બેઠકો પર એકસાથે નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે કચ્છ જિલ્લાની તમામ છ વિધાનસભા બેઠકો – અબડાસા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ અને રાપર ખાતે પણ નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમો યોજાયા હતા. કચ્છ જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદના માર્ગદર્શન હેઠળ યોજાયેલા તમામ સ્નેહમિલન કાર્યક્રમોમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી વર્ચ્યુઅલિ જોડાયા હતા અને સર્વે કાર્યકરોના જોશ અને ઉત્સાહમાં અનેરો સંચાર કર્યો હતો.
પ્રદેશ ભાજપ મહામંત્રી અને માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, ધારાસભ્યો કેશુભાઈ પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા તેમજ માલતીબેન મહેશ્વરીની આગેવાનીમાં પોતપોતાની વિધાનસભા બેઠકો પર યોજાયેલ સ્નેહમિલન કાર્યક્રમોમાં રાજકીય, સામાજિક, સેવાકીય ક્ષેત્રના અગ્રણીઓ, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ, ભાજપના વિવિધ મોરચાના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના વર્ચ્યુઅલ સંબોધનમાં સૌને દિવાળી અને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, ગુજરાતના લોકો સાથેની મારી લાગણી, વિશ્વાસ અને આત્મીયતા હંમેશાં અકબંધ રહેશે. ગુજરાતની સમૃદ્ધિ અને ઉન્નતિની ઝંખના સદાય મારા હૃદયમાં અવિરત ધબકે છે. વડાપ્રધાનશ્રીએ કચ્છને વિશેષ રીતે યાદ કરતાં જણાવ્યું હતું કે, ભૂકંપ બાદ કચ્છે જે રીતે પુનઃનિર્માણ અને વિકાસની નવી ઊંચાઈઓ સર કરી છે તે સમગ્ર રાષ્ટ્ર માટે પ્રેરણારૂપ છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ચ્યુઅલી જણાવ્યું હતું કે, ગુજરાતનો સર્વાંગી વિકાસ અને ભારતની પ્રગતિમાં અગ્રેસર ફાળો એ આપણા પ્રધાન લક્ષ્યાંકો છે. વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા ગુજરાતના નાગરિકોને મજબૂત આગેવાની લેવા પણ તેમણે આહ્વાન કર્યું હતું અને જણાવ્યું હતું કે આ સંકલ્પ જ ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરનું ધ્યેય છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે ભાજપમાં પદ કરતાં પરિશ્રમ અને સમર્પણને વધુ મહત્ત્વ આપવામાં આવે છે અને અહીં નાનામાં નાના કાર્યકરને પણ પોતાની મહેનત અને ક્ષમતાના આધારે મોટી જવાબદારી પ્રાપ્ત કરવાની તક મળે છે જે ભાજપની વિશેષતા છે.
આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ વિવિધ વિધાનસભા ક્ષેત્રોમાં ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોને સંબોધિત કરી નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. કચ્છ જિલ્લામાં યોજાયેલા કાર્યક્રમોમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ અંજાર વિધાનસભા ખાતે, જિલ્લા પંચાયત અધ્યક્ષ પ્રભાબેન હુણ પણ અંજાર ખાતે, ગાંધીધામ મહાનગરપાલિકા મેયર દિવ્યાબેન નાથાણી તેમજ જિલ્લા ભાજપ મહામંત્રી ધવલભાઈ આચાર્ય ગાંધીધામ વિધાનસભા ખાતે તેમજ મહામંત્રીઓ હિતેષભાઈ ખંડોર અને ભીમજીભાઈ જોધાણી ભુજ વિધાનસભા ખાતે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત તમામ છ વિધાનસભા ક્ષેત્રોમાં પૂર્વ જિલ્લા ભાજપ અધ્યક્ષો, પૂર્વ ધારાસભ્યો, જિલ્લા ભાજપના હોદ્દેદારો, જિલ્લા પંચાયતના સભ્યો, મહાનગરપાલિકા અને નગરપાલિકાના અધ્યક્ષશ્રીઓ, મંડળના અધ્યક્ષો અને હોદ્દેદારો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, વિવિધ મોરચાના આગેવાનો, સામાજિક અગ્રણીઓ, સેવાકીય સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરોએ ઉપસ્થિત રહીને સ્નેહમિલન કાર્યક્રમોને સફળ બનાવ્યો હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી અને સહ ઇન્ચાર્જ ચેતનભાઈ કતીરા અને દીપકભાઈ ડાંગરની સંયુક્ત યાદીમાં જણાવાયું હતું.
(9:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
