તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Thursday, 21st May 2026
જામનગરના જડેશ્વર પાર્ક ડિમોલિશન દરમિયાન ૮૦ વર્ષીય વળદ્ધા સાથે ગેરવર્તણૂકનો આક્ષેપ, આહીર સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉચ્ચસ્તરીય તપાસ માંગી
૪૦ વર્ષથી વસવાટ કરતા નંદુબેન બેરાને બળજબરીથી પોલીસ વાનમાં બેસાડાયા હોવાનો આરોપ, સમાજના પ્રમુખ એડવોકેટ રણમલભાઈ કાંબરીયાની આગેવાનીમાં રજૂઆત, વહીવટી તંત્રની કાર્યપદ્ધતિ સામે સવાલ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ર૧ : જામનગર શહેરના લાલપુર રોડ નજીક સાધના કોલોની પાસે આવેલા જડેશ્વર પાર્ક વિસ્તારમાં થયેલી મકાન તોડફોડની કાર્યવાહી દરમિયાન ૮૦ વર્ષીય વળદ્ધા નંદુબેન નારણભાઈ બેરા સાથે કથિત ગેરવર્તણૂક થઈ હોવાના આક્ષેપ સાથે શ્રી આહીર સમાજ - જામનગર દ્વારા તા. ૨૦ના રોજ જિલ્લા કલેક્ટરને વિસ્તળત આવેદનપત્ર પાઠવી ઉચ્ચસ્તરીય અને નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી છે.
આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, વયોવળદ્ધ દંપતી નંદુબેન બેરા અને તેમનો પરિવાર છેલ્લા આશરે ૪૦ વર્ષથી આ સ્થળે શાંતિપૂર્ણ રીતે વસવાટ કરતો હતો. થોડા દિવસો પૂર્વે જામનગર મહાનગરપાલિકા દ્વારા મકાન દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તે સમયે પોતાના રહેઠાણને બચાવવાના પ્રયાસ દરમિયાન વયોવળદ્ધ નંદુબેન સાથે સુરક્ષાકર્મીઓ દ્વારા અયોગ્ય વર્તન કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સમાજે કર્યા છે. સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ, નંદુબેનને બળજબરીપૂર્વક પોલીસ વાહનમાં બેસાડવાની ઘટનાએ લોકોમાં ભારે રોષ અને દુઃખની લાગણી ફેલાવી છે અને આ સમગ્ર ઘટનાક્રમના દૃશ્યો સામે આવતા નાગરિકોમાં પણ વ્યાપક ચિંતા વ્યાપી છે.
આહીર સમાજે આવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે કાયદો અને વ્યવસ્થાની જવાબદારી નિભાવતી સંસ્થાઓ પાસેથી ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓ પ્રત્યે સંવેદનશીલ અભિગમ અપેક્ષિત હોય છે. આવી ઘટનાઓથી સમાજમાં નકારાત્મક સંદેશ જાય છે અને વહીવટી તંત્રની કાર્યપદ્ધતિ સામે પ્રશ્નો ઊભા થાય છે. આથી સમાજ દ્વારા સમગ્ર ઘટનાની ઉચ્ચસ્તરીય અને તટસ્થ તપાસ કરી જવાબદાર કર્મચારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ ભવિષ્યમાં આવી પરિસ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે જરૂરી માર્ગદર્શિકા જાહેર કરવાની પણ રજૂઆત કરાઈ છે.
આવેદનપત્ર આપવા સમયે આહીર સમાજના પ્રમુખ એડવોકેટ રણમલભાઈ કાંબરીયા ઉપરાંત જામનગર આહીર સમાજના અન્ય અગ્રણીઓ, ભાઈઓ-બહેનો તથા મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા.
(12:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
