તા. ૧૭ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 3rd June 2026
ખંભાળિયામાં હાઇટેન્શન લાઇનના કામ વેળા ખેડૂતો સાથે દમનના આક્ષેપ, વીડિયો વાયરલ
ફોટ-લાલુકા ગામની સીમમાં બળજબરીથી ખેડૂતોને હટાવાયા? ‘ખેડૂતના ગળા ઉપર વિકાસનો ફાંસો?' ઉઠ્યા સવાલ

(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૩: તાલુકાના ફોટ અને લાલુકા ગામની સીમમાં ચાલી રહેલા હાઇટેન્શન લાઇનના કામ દરમિયાન ખેડૂતો સાથે થયેલા વર્તનને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સામે આવેલા વિડિયો ફૂટેજ બાદ આ ઘટના ચર્ચાનો વિષય બની છે.
વીડિયોમાં દેખાતા દ્રશ્યો મુજબ, પોતાની જમીન અંગે પ્રશ્ન પૂછનાર અને હક્ક માટે અવાજ ઉઠાવનાર ખેડૂતોને બળજબરીપૂર્વક ખેતરમાંથી હટાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ થયો છે. કેટલાક ખેડૂતોએ આરોપ લગાવ્યો છે કે તેમની સાથે ધક્કામુક્કી કરવામાં આવી, ગળા પકડીને દબાવવાનો પ્રયાસ થયો અને વિરોધના અવાજને દબાવી દેવાયો.
સ્થાનિક ખેડૂતોમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું હવે ખેડૂત પોતાના જ ખેતરમાં ઙ્ક‘ પણ નહીં પૂછી શકે? શું પોતાની જમીન ઉપર થતી કામગીરી અંગે માહિતી માંગવી ગુનો બની ગયો છે? જે અન્નદાતા દેશનું પેટ ભરે છે, તેને જ જો પોતાના હક્ક માટે લડતાં ગુનેગારની જેમ ખેંચવામાં આવે, ધકેલવામાં આવે અને ડરાવવામાં આવે તો તે સમગ્ર વ્યવસ્થા માટે શરમજનક બાબત છે.
ખેડૂત આગેવાનો અને સ્થાનિકોએ આ ઘટનાની ઉચ્ચસ્તરીય અને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. જો કોઈ અધિકારી, પોલીસ કર્મચારી અથવા કંપનીના પ્રતિનિધિ દ્વારા કાયદાની મર્યાદા ઓળંગવામાં આવી હોય તો તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. કાયદો સૌ માટે સમાન છે, પછી તે સામાન્ય ખેડૂત હોય કે મોટી કંપની.
વિકાસના નામે અન્નદાતાના સ્વાભિમાનને કચડવાનો પ્રયાસ થશે તો લોકોના મનમાં સવાલો ઉઠવાના જ છે. ખેડૂતોનો અવાજ દબાવવાથી સત્ય દબાતું નથી, પરંતુ સત્તાની જવાબદારી સામે વધુ મોટા પ્રશ્નો ઊભા થાય છે, એવી પ્રતિક્રિયા સ્થાનિકોમાંથી મળી રહી છે.
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
