<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

વરસાદની ખેંચ વચ્‍ચે ગૌસેવાની ગજબની દિલાવરી! ધ્રોલના ખારવાના અરવિંદભાઈએ સાત વીઘાનો મગફળીનો ચારો ગાયોના નામે કરી દીધો

ધ્રોલ પાંજરાપોળની ૨૩૦ ગાયો-વાછરડાં માટે ધરતીપુત્રની મોટી ભેટઃ એક રૂપિયાની પણ લાલચ રાખ્‍યા વગર આખો ચારો નિઃશુલ્‍ક અર્પણ કરી માનવતાની મહેક પ્રસરાવી

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા. ૧૬: એક તરફ વરસાદની ખેંચ અને ચોમાસાની અછતને કારણે ખેડૂતો સહિત પશુપાલકો પણ મુશ્‍કેલીનો સામનો કરી રહ્યા છે, ત્‍યારે બીજી તરફ હજુય સમાજમાં એવા દાતારો બેઠા છે, જેમના દિલમાં મૂંગા અબોલ જીવો માટે અપાર લાગણી અને જીવદયા વસેલી છે. પોતાની મહેનતથી પકવેલો પાક પણ ગાયોના પેટની ભૂખ ભાંગવા માટે આપી દેવાની વાત આવે ત્‍યારે ખરેખર માનવતા શું કહેવાય તેનો દાખલો જોવા મળે છે.

આવો જ એક માનવતાભર્યો અને ગૌસેવાની સુગંધ ફેલાવતો કિસ્‍સો જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ખારવા ગામેથી સામે આવ્‍યો છે. ખારવા ગામના વતની અને કડવા પાટીદાર સમાજના અગ્રણી અરવિંદભાઈ નાથાભાઈ હિંસુએ પોતાની માલિકીની સાત વીઘા જમીનમાં પકવેલો મગફળીનો આખેઆખો ઘાસચારો ધ્રોલની શ્રી ધ્રોલ ગૌશાળા પાંજરાપોળને નિઃશુલ્‍ક અર્પણ કરી દીધો છે.

ખાસ વાતતો એ છે કે આ ચારો વેચીને પૈસા કમાવવાની કે કોઈ જાતનો આર્થિક લાભ લેવાની જગ્‍યાએ અરવિંદભાઈએ સીધો જ ગાયોના નિભાવ માટે આપી દીધો છે. આજના સમયમાં જ્‍યાં એક મુઠ્ઠી ચારાની પણ કિંમત વસૂલવામાં આવે છે, ત્‍યાં સાત વીઘા જમીનમાં પકવેલો મગફળીનો પુષ્‍કળ ચારો કોઈપણ જાતના વળતરની અપેક્ષા રાખ્‍યા વગર અર્પણ કરવો એ ખરેખર મોટી દિલાવરી કહેવાય.

ધ્રોલ મેઈન રોડ પર આવેલી શ્રી ધ્રોલ ગૌશાળા પાંજરાપોળમાં આશરે ૨૩૦ જેટલી ગાયો અને વાછરડાંનો નિભાવ કરવામાં આવે છે. આ મૂંગા અબોલ જીવોને દરરોજ ઘાસચારો મળી રહે તે માટે ગૌશાળા સંચાલકોને પણ ભારે જહેમત ઉઠાવવી પડતી હોય છે. આવી સ્‍થિતિમાં અરવિંદભાઈની આ મદદ ગૌશાળા માટે આશીર્વાદરૂપ બની છે. ખાસ કરીને વરસાદની ખેંચ અને ચારાની અછતના સમયમાં સાત વીઘાનો મગફળીનો ચારો મળવાથી ગાયોના નિભાવમાં મોટો સહારો મળશે.

ખરેખર, દાન કરવું હોય તો ખિસ્‍સામાંથી નહીં, દિલમાંથી કરવું પડે છે, તેનું જીવતુંજાગતું ઉદાહરણ અરવિંદભાઈ નાથાભાઈ હિંસુએ પૂરું પાડ્‍યું છે. પોતાની મહેનતની કમાણી અને ખેતીના પાકમાં મૂંગા જીવોનો હિસ્‍સો રાખીને તેમણે સમાજને જીવદયા અને માનવતાનો સુંદર સંદેશ આપ્‍યો છે.

આજના આ સમયમાં આવા દાતારો આગળ આવે તો ગૌશાળાઓને પણ મોટી રાહત મળી શકે. અરવિંદભાઈની આ ગૌસેવા અને ઉદાર દિલદારીની ધ્રોલ પંથકમાં ભારે સરાહના કરવી પડે તેવી છે. સાચા અર્થમાં કહીએ તો પોતાના ખેતરની ઉપજ ગાયોના પેટમાં જાય અને મૂંગા જીવોના આશીર્વાદ મળે, એનાથી મોટું પુણ્‍ય બીજું શું હોય!

(12:19 PM IST)