News of Thursday, 26th November 2026
'ઓરા ટૂર' વચ્ચે દિલજીત દોસાંઝ પહોંચ્યો કચ્છના લખપતમાં: 200 વર્ષ જૂની ગુરુદ્વારા ઈમારતને નમાવ્યું માથું, શીખ પરંપરાગત પોશાકમાં તસવીરો વાયરલ
ગુરુ નાનક દેવજીની ચરણસ્પર્શ ભૂમિ લખપત ગુરુદ્વારામાં લીધા આશીર્વાદ; 500 વર્ષ જૂના ઐતિહાસિક વારસા અને પ્રાચીન સ્મૃતિઓને નજીકથી નિહાળી, થોડા દિવસો અગાઉ અમદાવાદ કોન્સર્ટ બાદ ચાહકોનો માન્યો હતો આભાર

લખપત : પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝ હાલ પોતાના 'ઓરા ટૂર' (Aura Tour) ને લઈને વ્યસ્ત છે, પરંતુ વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય કાઢીને તે ગુજરાતના કચ્છ જિલ્લાના લખપતમાં આવેલા ઐતિહાસિક ગુરુદ્વારા પહોંચ્યો હતો. દિલજીતે અહીં દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા અને આ પવિત્ર સ્થળની ખાસ તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. શેર કરેલી તસવીરોમાં દિલજીત શીખ પરંપરાગત પોશાકમાં જોવા મળે છે અને એક તસવીરમાં તે લખપતના ગુરુ નાનક સાહિબ દરબારમાં હાથ જોડીને ઊભેલો નજરે પડે છે.
દિલજીતે શેર કરેલી અન્ય તસવીરોમાં તે ગુરુદ્વારાના એક જૂના દરવાજા પાસે ઊભેલો જોવા મળે છે, જેના પર પંજાબી ભાષામાં ગુરુ નાનક દેવજીનાં ચરણો અંગે લખાણ અંકિત થયેલું છે. એક તસવીરમાં તે ગુરુ નાનક દરબારની અંદર બેઠેલો દેખાય છે, જ્યારે ગુરુદ્વારાના વિવિધ ભાગોની મુલાકાત લઈને તેણે આ પવિત્ર સ્થળના ઐતિહાસિક મહત્ત્વ અને વારસાને નજીકથી જાણવા અને સમજવાનો પ્રયાસ કર્યો હતો.
કચ્છના લખપત ગામમાં આવેલું આ ગુરુદ્વારા ધાર્મિક અને ઐતિહાસિક રીતે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. માન્યતા મુજબ, ગુરુ નાનક દેવજી પોતાની યાત્રા દરમિયાન અહીં રોકાયા હતા અને સાધના કરી હતી. અહીં ગુરુ નાનક દેવજીની પાદુકાઓ, પાલખી અને પ્રાચીન હસ્તપ્રતો સુરક્ષિત સાચવી રાખવામાં આવી છે. આ સ્થળનો ઇતિહાસ લગભગ 500 વર્ષ જૂનો હોવાનું મનાય છે, જ્યારે ગુરુદ્વારાની વર્તમાન ઇમારત આશરે 200 વર્ષ જૂની હોવાનું કહેવાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલાં જ દિલજીત દોસાંઝે અમદાવાદમાં પોતાનો કોન્સર્ટ યોજ્યો હતો, જે બાદ તસવીરો શેર કરીને તેણે "અમદાવાદ તમારો ખૂબ ખૂબ આભાર" કહીને ચાહકો પ્રત્યે લાગણી વ્યક્ત કરી હતી. સતત પ્રેમ અને સાથ આપતા ચાહકોનો આભાર માન્યા બાદ હવે લખપત ગુરુદ્વારાની તેની આધ્યાત્મિક મુલાકાત ચાહકોમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે.
(8:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
