<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st August 2026

વરુણદેવના રૌદ્ર સ્વરૂપ વચ્ચે મોરબીમાં માનવતાની હેલી : ભારે વરસાદી આફતમાં નિરાશ્રિતો અને શ્રમજીવીઓની વહારે આવ્યું 'યંગ ઇન્ડિયા ગ્રુપ'

ડૉ. દેવેન રબારીની આગેવાની હેઠળ ઝૂંપટપટ્ટી અને પછાત વિસ્તારોમાં ગરમ ભોજન પહોંચાડાયું : નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પ યોજી નિઃશુલ્ક દવાઓનું વિતરણ કરાયું

(પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી: મોરબી જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં અનેક વિસ્તારોમાં જનજીવન ભારે અસ્તવ્યસ્ત બન્યું છે. ધોધમાર વરસાદની સૌથી માઠી અસર પછાત વિસ્તારો તેમજ ઝૂંપટપટ્ટીમાં વસતા શ્રમજીવી, ગરીબ અને નિરાશ્રિત પરિવારો પર પડી છે. રોજનું કમાઈને રોજ ખાનારા આવા પરિવારો માટે આ કટોકટીના સમયે બે ટંકનું ભોજન મેળવવું પણ મુશ્કેલ બની ગયું છે. આવા કપરા સમયમાં સર્વધર્મ સમભાવના સૂત્રને યથાર્થ ઠેરવીને લોકહિતના કાર્યો કરતી સંસ્થા 'યંગ ઇન્ડિયા ગ્રુપ' આફતગ્રસ્તો અને જરૂરિયાતમંદો માટે સધિયારો બનીને વહારે આવી છે.

 

વરસાદી પાણી અને પ્રતિકૂળ પરિસ્થિતિ વચ્ચે રોજગારીથી વંચિત રહી ગયેલા શ્રમજીવી પરિવારો સુધી યંગ ઇન્ડિયા ગ્રુપના સ્વયંસેવકો રૂબરૂ પહોંચી રહ્યા છે. શહેરના વિવિધ પછાત વિસ્તારોમાં સ્વયંસેવકો દ્વારા ગરમ અને પૌષ્ટિક ભોજનનું વિતરણ કરી કોઈ જરૂરિયાતમંદ પરિવાર ભૂખ્યો ન રહે તેની ખાસ કાળજી લેવામાં આવી રહી છે. કુદરતી આપત્તિ વચ્ચે સંસ્થા દ્વારા માત્ર પેટની ભૂખ સંતોષવા પૂરતું જ નહીં, પરંતુ અસરગ્રસ્તોના આરોગ્યની ચિંતા કરીને પણ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે.

 

ચોમાસાની ઋતુમાં પાણીજન્ય તથા વાયરલ બીમારીઓનો ફેલાવો ન થાય તે માટે 'યંગ ઇન્ડિયા ગ્રુપ' દ્વારા વિવિધ વિસ્તારોમાં વિનામૂલ્યે તબીબી કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. નિષ્ણાત તબીબો તથા પેરામેડિકલ સ્ટાફની ટીમ દ્વારા જરૂરિયાતમંદોની સ્થળ પર જ આરોગ્ય તપાસ કરવામાં આવી રહી છે અને સારવારની જરૂર હોય તેવા લોકોને નિઃશુલ્ક દવાઓ પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત વરસાદી માહોલમાં બીમારીઓથી બચવા માટે સ્વચ્છતા જાળવવા, પીવાના પાણીની તકેદારી રાખવા તથા રોગચાળાથી બચવાના ઉપાયો અંગે લોકોને જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે.

 

 

આ સમગ્ર સેવાયજ્ઞ 'યંગ ઇન્ડિયા ગ્રુપ'ના સ્થાપક અને માર્ગદર્શક ડૉ. દેવેન રબારીની આગેવાની હેઠળ ચલાવવામાં આવી રહ્યો છે. ડૉ. દેવેન રબારી લાંબા સમયથી મોરબીમાં વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. આ અંગે માહિતી આપતાં ડૉ. દેવેન રબારીએ જણાવ્યું હતું કે, “આપત્તિના સમયમાં જરૂરિયાતમંદોની પડખે ઊભા રહેવું એ જ સાચી માનવતા છે. મોરબી આપણું ઘર છે અને અહીંનો દરેક નાગરિક આપણા પરિવારનો હિસ્સો છે. મુશ્કેલીના સમયે શ્રમજીવી અને જરૂરિયાતમંદ પરિવારોને સહારો આપવો એ આપણી સામાજિક જવાબદારી છે.”

 

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે મોરબીમાં વરસાદી આફતની સ્થિતિ જ્યાં સુધી યથાવત રહેશે ત્યાં સુધી જરૂરિયાતમંદ પરિવારો માટે ભોજન વિતરણ અને તબીબી સારવારનો આ સેવાયજ્ઞ નિરંતર ચાલુ રાખવામાં આવશે. આ સાથે જ તેમણે સમાજના સક્ષમ અને દાનવીર લોકોને પણ આગળ આવીને વરસાદથી અસરગ્રસ્ત પરિવારોની મદદે જોડાવા માટે ભાવભરી અપીલ કરી છે. મેઘરાજાની આ અનરાધાર હેલી વચ્ચે મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શરૂ કરાયેલી માનવતાની આ હેલી અનેક નિરાશ્રિતો માટે મોટી રાહત સાબિત થઈ રહી છે.

(9:08 PM IST)