તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th July 2026
અમરેલી: ખાંભા પોલીસે સક્રિયતા દાખવી ગેરકાયદે હથિયારના વેપલા પર ફેરવ્યો પાણી, મધ્યપ્રદેશના શખ્સને ઘાતક પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે દબોચી લીધો
ગુનાહિત નેટવર્કનો પર્દાફાશ કરવા પોલીસની મથામણ: ડેડાણ આઉટપોસ્ટની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી હથિયારની ડિલિવરી થાય તે પૂર્વે જ આરોપીને રંગેહાથ ઝડપી પાડ્યો

અમરેલી: જિલ્લાના ખાંભા પંથકમાં ગેરકાયદેસર હથિયારોના વધી રહેલા જોખમને ડામવા માટે સ્થાનિક પોલીસ સતર્ક બની છે. આ દિશામાં ખાંભા પોલીસને મળેલી એક ચોક્કસ ખાનગી બાતમીના આધારે પોલીસે સફળ ઓપરેશન પાર પાડી મધ્યપ્રદેશના એક શખ્સને દેશી બનાવટની પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
મળતી માહિતી મુજબ, ખાંભા પોલીસ મથક હેઠળના ડેડાણ આઉટપોસ્ટની ટીમને ખાનગી રાહે એવી ચોક્કસ માહિતી મળી હતી કે, મધ્યપ્રદેશનો એક શખ્સ ગેરકાયદેસર રીતે હથિયાર લઈને ખાંભા વિસ્તારમાં કોઈને ડિલિવરી આપવા આવી રહ્યો છે. આ બાતમી મળતાની સાથે જ પોલીસે ત્વરિત હિલચાલ કરી હતી અને શંકાસ્પદ વ્યક્તિના સંભવિત રૂટ પર સઘન વોચ ગોઠવી હતી.
પોલીસે બાતમી મુજબના મધ્યપ્રદેશના મહમદ શેખ નામના શખ્સને અટકાવી તેની અંગજડતી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આરોપી પાસેથી દેશી બનાવટની મેગેઝીનવાળી પિસ્તોલ અને બે જીવતા કારતૂસ મળી આવ્યા હતા. હથિયારની ડિલિવરી થાય તે પહેલાં જ પોલીસે આરોપીને દબોચી લેતા એક મોટી દુર્ઘટના ટળી હતી.
પોલીસે ગેરકાયદેસર હથિયાર અને કારતૂસનો મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી છે અને તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પ્રાથમિક તપાસમાં પોલીસ આ શખ્સ આ હથિયાર કોને આપવા આવ્યો હતો અને મધ્યપ્રદેશથી આ હથિયારોનું કનેક્શન અમરેલી સુધી કઈ રીતે જોડાયેલું છે, તે દિશામાં સઘન પૂછપરછ કરી રહી છે. પોલીસ આ ગેરકાયદેસર હથિયારોના આખા નેટવર્કને તોડી પાડવા માટે તપાસનો વ્યાપ વધારી રહી છે.
(6:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
