તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th July 2026
અમરેલીમાં મેઘરાજાએ ભુક્કા બોલાવ્યા :રાજુલા,ખાંભા અને ધારીમાં ભારે વરસાદથી ખેતરો-માર્ગો જળબંબોળ
ધોધમાર વરસાદના કારણે નદીઓ ગાંડીતૂર બની: ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાઈ ગયા: નીચાણભાગમાં લોકોના ઘરો અને દુકાનોમાં વરસાદી પાણી ફરી વળ્યા

ગુજરાતમાં ચોમાસું સંપૂર્ણ સંક્રિય થઈ ગયું છે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર સતત વધી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા પણ ભારે વરસાદની આગાહીને પગલે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ગીર સોમનાથ અને માંગરોળને રીતસરના ઘમરોળ્યા બાદ હવે મેઘરાજાએ અમરેલી તરફ નજર નાંખી હોય તેમ લાગી રહ્યું છે.
હકીકતમાં વીતેલા 24 કલાકમાં અમરેલી જિલ્લામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. ખાસ કરીને જિલ્લાના રાજુલા, ખાંભા અને ધારી તાલુકામાં સતત પડી રહેલા ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતૂર બની છે. ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે, તો નીચાણભાગમાં લોકોના ઘરો અને દુકાનોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે.
આજે સવારે 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં રાજ્યના 118 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી સૌથી વધુ 250 મિ.મી (9.8 ઈંચ) વરસાદ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં ખાબક્યો છે. આ સિવાય ધારીમાં 234 મિ.મી (9.2 ઈંચ), ખાંભામાં 154 મિ.મી (6 ઈંચ), સાવરકુંડલામાં 113 મિ.મી (4.4 ઈંચ) જાફરાબાદમાં 107 મિ.મી (4.2 ઈંચ), લિલિયામાં 107 મિ.મી (4.2 ઈંચ), બગસરામાં 106 મિ.મી (4.17 ઈંચ) વરસાદ વરસ્યો છે.
અમરેલી જિલ્લાના રાજુલા, ખાંભા અને ધારી તાલુકામાં વરસાદની તીવ્રતા વધારે જોવા મળી છે. સતત પડી રહેલા મૂશળધાર વરસાદના કારણે જિલ્લાના ધાતરવડી અને રાયડી ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. અમરેલી જિલ્લામાં સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાતા અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે.
ભારે વરસાદની સ્થિતિને પગલે વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. કોઈ પણ પ્રકારની અનિચ્છનિય ઘટનાની જાણ તેમજ મદદ માટે કંટ્રોલરૂમના હેલ્પલાઈન નંબર જારી કરવામાં આવ્યા છે. આ સાથે જ જિલ્લાના 11 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. પૂરની પરિસ્થિતિને જોતા ધારાસભ્ય હીરા સોલંકી દ્વારા વીડિયો થકી સ્થાનિક તરવૈયાઓને રાહત કામગીરીમાં જોડાવા માટે હાકલ કરી છે. ખાંભામાં પણ રોડ પર પાણી ફરી વળવાના કારણે નાગેશ્રી જતો નેશનલ હાઈવે બંધ કરવામાં આવ્યો છે. જેના પગલે 20 ગામડાનો સંપર્ક તૂટી ગયો છે.
સાંજે 6 થી રાતના 8 વાગ્યા સુધીના 2 કલાક દરમિયાન 53 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં ડાંગ જિલ્લાના સુબિર તાલુકામાં સૌથી વધુ 70 મિ.મી (2.7 ઈંચ) વરસાદ ખાબક્યો છે. આ સિવાય અમરેલીના ધારી, નવસારીના ચીખલી અને ગણદેવીમાં 60-60 મિ.મી (2.3 ઈંચ) વરસાદ પડ્યો છે.
આજે આખા દિવસ દરમિયાન વરસાદની વિગતો જોઈએ તો, 35 તાલુકામાં 1 ઈંચથી વધુ,19 તાલુકામાં 2 ઈંચથી વધુ, 10 તાલુકામાં 3 ઈંચથી વધુ, 8 તાલુકામાં 4 ઈંચથી વધુ તેમજ અમરેલીના બે તાલુકામાં 9 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
(10:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
