તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
લાઠીના અડાતાળામાંથી અપહરણ કરાયેલી 3 વર્ષની બાળકીને અમરેલી પોલીસે લીલીયાના જાત્રુડાથી હેમખેમ શોધી કાઢી:આરોપીને ઝડપી લીધો
પોલીસ ટીમોએ 100 થી 150 જેટલા શકમંદોની સઘન પૂછપરછ કરી:અંતે પોલીસને આરોપીનું પગેરું મેળવવામાં મોટી સફળતા મળી :પોલીસની અથાગ મહેનત રંગ લાવી

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના અડાતાળા ગામની સીમમાં નૂતન વર્ષના પવિત્ર દિવસે એક પરિવાર પર આભ તૂટી પડ્યા જેવી ઘટના બની હતી. વાડી વિસ્તારમાં નિર્દોષ ભાવે રમી રહેલી માત્ર 3 વર્ષની માસૂમ બાળકીનું કોઈ અજાણ્યા શખ્સે અપહરણ કરી લીધું હતું. બાળકી અચાનક ગુમ થતા પરિવારજનોમાં ભારે ફફડાટ અને ચિંતા વ્યાપી ગઈ હતી, જેને પગલે તાત્કાલિક લાઠી પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમરેલી જિલ્લા પોલીસ તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું હતું. બાળકીને ગમે તે ભોગે સુરક્ષિત પરત લાવવા માટે લાઠી પોલીસ, LCB, SOG અને બાબરા પોલીસની સંયુક્ત ટીમો બનાવીને સમગ્ર વિસ્તારમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસની અલગ-અલગ ટીમોએ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
તપાસ દરમિયાન પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો બખૂબી ઉપયોગ કર્યો હતો. અડાતાળાથી લઈને આસપાસના 25 કિલોમીટરના સમગ્ર રૂટના CCTV ફૂટેજ ઝીણવટભરી રીતે તપાસવામાં આવ્યા હતા. આ ઉપરાંત, પોલીસ ટીમોએ 100 થી 150 જેટલા શકમંદોની સઘન પૂછપરછ હાથ ધરી હતી, જેના અંતે પોલીસને આરોપીનું પગેરું મેળવવામાં મોટી સફળતા મળી હતી.
પોલીસની અથાગ મહેનત રંગ લાવી હતી અને લીલીયા તાલુકાના જાત્રુડા ગામની એક વાડીમાંથી અપહૃત બાળકી સહીસલામત મળી આવી હતી. પોલીસે બાળકીને તેના માતા-પિતાને હેમખેમ સોંપતા પરિવારમાં હર્ષના આંસુ છલકાયા હતા. પોલીસે આ ગુનામાં મધ્યપ્રદેશના ધાર જિલ્લાના વતની સોહન અમરૂ વસુનિયાની ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ પોક્સો (POCSO) સહિતની ગંભીર કલમોનો ઉમેરો કરી, વધુ તપાસ અર્થે 1 દિવસના પોલીસ રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.
(7:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
