તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th April 2026
અમરેલી વોર્ડ નંબર-11માં સગા દિયર અને ભાભી એકબીજાની સામે ચૂંટણી મેદાનમાં ઉતર્યા
રાજકીય વિચારધારાના ભેદને કારણે બંને સભ્યોએ અલગ-અલગ પક્ષો તરફથી ઉમેદવારી નોંધાવી: આ અનોખી ટક્કર સમગ્ર અમરેલીમાં ભારે ચર્ચાનો વિષય બની

અમરેલીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે શહેરના વોર્ડ નંબર 11 માં એક અત્યંત રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. અહીં લોકશાહીના પર્વમાં સગા દિયર અને ભાભી એકબીજાની સામે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. સામાન્ય રીતે જે પરિવારોમાં સંપ અને સ્નેહ જોવા મળે છે, ત્યાં રાજકીય વિચારધારાના ભેદને કારણે બંને સભ્યોએ અલગ-અલગ પક્ષો તરફથી ઉમેદવારી નોંધાવી છે. આ અનોખી ટક્કર સમગ્ર અમરેલીમાં ભારે ચર્ચાનો વિષય બની છે.
અમરેલીના આનંદનગર અને અર્જુનનગર વિસ્તારનો સમાવેશ કરતા વોર્ડ નંબર 11 માં ભાજપે સંગીતાબેન ચાવડાને ફરી એકવાર ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. પક્ષે તેમના અગાઉના કામો અને લોકપ્રિયતાને ધ્યાને રાખીને તેમને 'રીપીટ' કર્યા છે. સંગીતાબેન ભાજપની 'વિકાસની રાજનીતિ' અને પાયાની સુવિધાઓ જેવી કે રોડ-રસ્તા, પાણી અને સફાઈના પ્રશ્નો ઉકેલવાના લક્ષ્ય સાથે મતદારો પાસે જઈ રહ્યા છે. તેઓ મજબૂત આત્મવિશ્વાસ સાથે વિજયનો દાવો કરી રહ્યા છે.
ભાજપના ઉમેદવાર સંગીતાબેનની સામે તેમના જ સગા દિયર ભાવેશભાઈ ચાવડાએ આમ આદમી પાર્ટી (AAP) તરફથી ઉમેદવારી નોંધાવી છે. ભાવેશભાઈનો આક્ષેપ છે કે આ વિસ્તારમાં જોઈએ તેવો વિકાસ થયો નથી અને સ્થાનિકોની અનેક સમસ્યાઓ હજુ વણઉકેલાયેલી છે. 'આપ' ની વિચારધારા અને પરિવર્તનના મુદ્દા સાથે તેઓ વોર્ડના મતદારોના દ્વારે પહોંચ્યા છે. એક જ પરિવારના બે સભ્યો હોવા છતાં, તેઓ આ લડાઈને અંગત નહીં પણ વૈચારિક લડાઈ ગણાવી રહ્યા છે.
આ ચૂંટણીની સૌથી મોટી વિશેષતા એ છે કે બંને ઉમેદવારો સ્વીકારે છે કે તેમના પરિવારમાં કોઈ વિખવાદ નથી. ઘરમાં બંને સાથે મળીને રહે છે, પરંતુ રાજકીય વિચારધારા અલગ હોવાને કારણે જનતાના પ્રતિનિધિ બનવા માટે તેઓ સામસામે લડી રહ્યા છે. આ દ્રશ્ય લોકશાહીની પરિપક્વતા દર્શાવે છે, જ્યાં સંબંધો અને રાજનીતિને અલગ રાખવામાં આવ્યા છે. નગરજનો પણ આ 'દિયર-ભાભી' ના જંગને કુતૂહલ પૂર્વક નિહાળી રહ્યા છે.
વોર્ડ નંબર 11 ના મતદારો હવે મુંઝવણમાં છે કે તેઓ 'અનુભવ' ને સાથ આપશે કે 'પરિવર્તન' ને? ભાજપનું સંગઠન અને સંગીતાબેનનો પરિચય એક તરફ છે, તો બીજી તરફ ભાવેશભાઈનો ઉત્સાહ અને 'આપ' ના વચનો છે. આગામી દિવસોમાં મતદારો કોના પર મોહર લગાવશે અને કોને નગરપાલિકામાં બેસાડશે, તે જોવું રસપ્રદ રહેશે. આ ખરાખરીનો જંગ ચોક્કસપણે અમરેલીની ચૂંટણીના ઈતિહાસમાં યાદગાર બની રહેશે.
(9:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
