<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st June 2026

સાદી સોડાની બોટલમાં ભરેલું એસિડ ભુલથી પી જતાં ૧૮ વર્ષની ખુશીનું મોત

વેરાવળ સોમનાથની ઘટનાઃ બ્‍યુટી પાર્લરનો કોર્ષ કરી રહેલી યુવતિ બે ભાઇની એક જ બહેન હતીઃ રાજકોટમાં સારવારમાં દમ તોડયો

 

રાજકોટ તા. ૧: વેરાવળ સોમનાથમાં રહેતી અને બ્‍યુટી પાર્લરનો કોર્ષ કરતી ૧૮ વર્ષની યુવતિ ભુલથી એસિડ પી જતાં સારવાર દરમિયાન રાજકોટમાં મોત થતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

જાણવા મળ્‍યા મુજબ વેરાવળમાં સરકારી હોસ્‍પિટલ સામે મફતીયાપરામાં રહેતી ખુશી (ખુશ્‍બુ) જીતુસિંગ ભદોરીયા (ઉ.વ.૧૮) નામની યુવતિ ૨૬/૫ના રોજ એસિડ પી જતાં વેરાવળ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. અહિ ગત સાંજે તેણીનું મોત થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે વેરાવળ પોલીસને જાણ કરી હતી.

ખુશી બે ભાઇની એકની એક નાની બહેન હતી. તેના પિતા જીતુસિંઘ ભદોરીયા મુળ પંજાબના વતની છે. જો કે વર્ષોથી તેઓ વેરાવળમાં સ્‍થાયી થયા છે અને દાંતના ચોકઠા બનાવવાનું કામ કરે છે. તેણે જણાવ્‍યું હતું કે ઘરે સાદી સોડાની બોટલમાં એસિડ ભરીને રાખ્‍યું હોઇ ભુલથી ખુશી તેમાંથી એકાદ બે ઘુંટડા પી ગઇ હતી. પછી તરત જ ખબર પડતાં ઉલ્‍ટીઓ કરી હતી. પણ તબિયત બગડી જતાં સારવાર માટે ખસેડી હતી. જો કે સારવાર કારગત નિવડી નહોતી. તેણી બ્‍યુટી પાર્લરનો કોર્ષ કરતી હતી. એકની એક દિકરીના મોતથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(11:07 AM IST)