તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Wednesday, 22nd April 2026
પિતરાઈ ભાઈની પત્ની સાથેના પ્રેમમાં આડખીલી બનતા ૮૦ વર્ષના મોટા બાપાને ગોળી ધરબી ભત્રીજાએ મોતને ઘાટ ઉતાર્યા
પ્રેમિકાના પતિ પિતરાઈ ભાઈએ માંડ માંડ જીવ બચાવ્યો, આડા સંબંધમાં લોહીની સગાઈને લજવનારા હત્યારાની ધરપકડ, પહેલા તલવાર ઉગામી પછી ગોળી મારી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૨ : પ્રેમ, કામ વાસના અને આડા સંબંધોમાં ક્યારેક લોહીની સગાઈ ભૂલી જઈ માણસ ન કરવાનું કરી બેસે છે. આડા સંબંધના આવા જ એક કિસ્સામાં કચ્છના ભચાઉમાં ૮૦ વર્ષીય વૃદ્ધની હત્યા તેના સગા ભત્રીજાએ કરેલ હત્યા બાદ પિતરાઈ ભાઈને પણ મારવા દોડવાના બનાવે ચકચાર સર્જી છે. ભચાઉમાં જાહેર રોડ ઉપર ૮૦ વર્ષીય પૂજારી હરિદાસ ત્રિભુવનદાસ સાધુને ગોળી મારી અને તેમની હત્યા નિપજાવવાના કિસ્સામાં સનસનીખેજ પ્રેમ પ્રકરણ સાથે આડા સંબંધોનો ખુલાસો થયો છે. ૮૦ વર્ષીય હરિદાસ સાધુની હત્યા તેમના સગા ભત્રીજા મુકેશ ઘનશ્યામદાસ સાધુએ કરી હતી. આરોપી મુકેશને મૃતક મોટા બાપાની પુત્રવધૂ સાથે પ્રેમ અને આડા સંબંધો હતા. મુકેશ સંબંધમાં પોતાની ભાભીને લઈ ભાગી પણ ગયો હતો. પિતરાઈ ભાભી સાથેના અંગત સંબંધોમાં અંધ મુકેશને માંડ માંડ સમજાવી પરિવારને ભાંગતો અટકાવનાર વૃદ્ધ હરિદાસ સાધુને ક્યાં ખબર હતી કે સગો ભત્રીજો જ કાળ બનીને તેમનો જીવ લેશે. રિક્ષામાં દરરોજની જેમ બહાર જઈ રહેલા હરિદાસ સાધુ પાછળ બાઇક ઉપર આવતા મુકેશે પહેલા તલવાર વડે હુમલો કર્યો પણ વૃદ્ધ પૂજારી હરિદાસે લાકડી આડી ધરતા મુકેશે ભેટમાંથી રિવોલ્વર કાઢી મોટા બાપાને છાતીમાં ગોળી ધરબી દઈ ત્યાંજ ઢીમ ઢાળી દીધું હતું. ત્યાર બાદ તે પિતરાઈ ભાઈ હસમુખને મારવા રિવોલ્વર લઈ પાછળ દોડ્યો હતો પણ હસમુખ જીવ બચાવવા ઘર તરફ દોડ્યો બૂમાબૂમ થઈ લોકો એકઠા થયા એટલે મુકેશ ભાગી ગયો. જોકે, પોલીસે હત્યારા મુકેશ ઘનશ્યામદાસ સાધુને ઝડપી લીધો હતો. આ અંગે મૃતકની પુત્રી કલાવતીબેન દિનેશ સાધુએ પોલીસ ફરિયાદ લખાવી છે જેમાં તેમની ભાભી સાથે હત્યારા પિતરાઈ ભાઈ મુકેશને આડા સંબંધો હોવાની અને બંને પ્રેમમાં સાથે નાસી ગયા હોવાનું પણ જણાવાયું છે. પિતરાઈ ભાભી સાથેના પ્રેમ અને આડા સંબંધોમાં લોહીની સગાઈ લજવાઈ અને ૮૦ વર્ષીય વયો વૃદ્ધ મોટા બાપાનો ભત્રીજાએ જીવ લીધો.
(11:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
