તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th September 2026
પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવના ધામે શ્રદ્ધાળુઓનો અદ્ભુત મહાસાગર: ૨૨ લાખથી વધુ ભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી
શ્રી સોમનાથ ટ્રસ્ટના ઇતિહાસમાં ૭૫ વર્ષનો નવો વિક્રમ: ૧૧૦૯ ધ્વજારોહણ અને ૧૧.૧૭ લાખ મહામૃત્યુંજય યજ્ઞ આહુતિઓ સાથે ભક્તિનો અભૂતપૂર્વ માહોલ સર્જાયો

વેરાવળ (ગીર સોમનાથ) : પ્રથમ જ્યોતિર્લિંગ એવા દેવાધિદેવ શ્રી સોમનાથ મહાદેવના પવિત્ર સાનિધ્યમાં આ વર્ષનો શ્રાવણ માસ અત્યંત ભક્તિમય અને ઐતિહાસિક સાબિત થયો છે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન કુલ ૨૨,૬૧,૫૯૭ શ્રદ્ધાળુઓએ સોમનાથ મહાદેવના દર્શન, પૂજન અને અર્ચન કરીને ધન્યતા અનુભવી હતી. ખાસ કરીને શ્રાવણના ચાર સોમવાર અને જન્માષ્ટમીના તહેવારો દરમિયાન તીર્થધામમાં ભક્તોનું વિશાળ ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. જન્માષ્ટમીના એક જ દિવસે સર્વાધિક ૧,૭૨,૭૫૫ દર્શનાર્થી નોંધાયા હતા, જ્યારે ૪ થી ૭ સપ્ટેમ્બરના જન્માષ્ટમી વેકેશન દરમિયાન ૬.૪૯ લાખથી વધુ યાત્રિકોએ મહાદેવના ચરણોમાં સીસ નમાવ્યું હતું.
આ વર્ષે સોમનાથ ટ્રસ્ટના છેલ્લા ૭૫ વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ ધ્વજારોહણનો નવો રેકોર્ડ સર્જાયો છે. શ્રાવણ માસ દરમિયાન ભક્તો, જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને ટ્રસ્ટના કર્મચારીઓ દ્વારા કુલ ૧૧૦૯ શિખર ધ્વજારોહણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, રેકોર્ડબ્રેક ૧૩૯૪ સોમેશ્વર મહાપૂજન, ૮૭૭૫ રૂદ્રાભિષેક પાઠ, ૪૦૩૧ ગંગાજળ અભિષેક અને ૨૯૧૯ બ્રાહ્મણ ભોજન સહિતની વિવિધ ધાર્મિક વિધિઓ સાથે શ્રદ્ધાળુઓએ શિવભક્તિનો આનંદ માણ્યો હતો.
પ્રથમ વખત શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત ૩૦ દિવસીય ૫૧ કુંડી મહામૃત્યુંજય યજ્ઞમાં ૧૧.૧૭ લાખથી વધુ આહુતિઓ અર્પણ કરવામાં આવી હતી, જે પોતાનામાં જ એક અદ્ભુત વિક્રમ છે. આ સાથે જ ૪૩.૪૩ લાખ મહામૃત્યુંજય જાપ અને ૩૮ લાખ સંપુટ જાપ સંપન્ન થયા હતા. દર્શનાર્થીઓની સુવિધા માટે સોમનાથ ટ્રસ્ટના નિશુલ્ક ભોજનાલય અને સ્થાનિક સામાજિક સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવેલા ભંડારામાંથી ૪.૫૦ લાખથી વધુ ભક્તોએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો.
(8:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
