તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 15th October 2026
ગૌ સન્માન આહ્વાન અભિયાનમાં જોડાવા કચ્છના સરપંચો સહિત ગ્રામજનોને અપીલ
દરેક ગામમાંથી ૨,૧૦૦ લોકોની સહીઓ એકત્રિત કરવાનો લક્ષ્યાંક; સ્વૈચ્છિક રીતે અભિયાનમાં જોડાવવા ઇચ્છતા ગૌ પ્રેમીઓને દીપકભાઈ પટેલ (મો. નં.૯૪૨૬૭૩૭૮૦૮ નો સંપર્ક કરવા અપીલ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૫ : સ્વદેશી ગૌમાતાની સેવા, સુરક્ષા અને સન્માનના હેતુથી સમગ્ર દેશમાં ચાલી રહેલા ‘ગૌ સન્માન આહ્વાન અભિયાન’ના ત્રીજા તબક્કા અંતર્ગત કચ્છ જિલ્લાના દરેક ગામના સરપંચો, પંચાયતના પદાધિકારીઓ અને ગ્રામજનોને અભિયાનમાં સહભાગી થવા અપીલ કરવામાં આવી છે. ગૌમાતાને રાષ્ટ્રીય સન્માન અપાવવા, ગૌહત્યા બંધ કરાવવા અને ગૌવંશની સંપૂર્ણ સુરક્ષા માટે કેન્દ્ર સરકાર દ્વારા સ્વતંત્ર વિભાગની રચના સહિતની ૩૬ વિવિધ માંગણીઓને લઈને આ જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
સાધુ-સંતો, મહંતો અને ગૌમાતાના આશીર્વાદ સાથે આગળ વધી રહેલા આ અભિયાનના ત્રીજા તબક્કામાં દરેક ગામમાંથી ૨,૧૦૦ લોકોની સહીઓ એકત્રિત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ કામગીરીમાં દરેક ગામમાંથી ત્રણ ગૌપ્રેમી વ્યક્તિઓ સ્વૈચ્છિક રીતે પોતાના સમયનું યોગદાન આપી જોડાઈ શકે છે. તાલુકા સ્તરે કાર્યરત ગૌપ્રેમી પ્રભારીઓના માર્ગદર્શન હેઠળ સહીઓ એકત્રિત કરવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે.
ગૌ સન્માન આહ્વાન અભિયાન સમિતિ દ્વારા કચ્છના તમામ ગામોના સરપંચો અને પંચાયતના પદાધિકારીઓને પણ આ સેવાકાર્યમાં સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્યો છે. સરપંચો ગામના ગૌપ્રેમી વ્યક્તિઓનાં નામ સૂચવે, તેમજ પંચાયતના તમામ સભ્યો સાથે મળીને ગૌમાતાના સન્માન અને સુરક્ષાને સમર્થન આપતા પત્રો લખી અભિયાનને બળ આપે તેવી અપીલ કરવામાં આવી છે.
કચ્છ પ્રદેશ ગાય અને ગૌવંશની સેવા, સુશ્રુષા અને સંભાળની પરંપરા ધરાવતો જીવદયાપ્રેમી વિસ્તાર છે. અહીં માનવ વસ્તીની સરખામણીએ પશુઓની સંખ્યા પણ નોંધપાત્ર છે. ત્યારે રાષ્ટ્રીય ધરોહર સમાન ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો અપાવવા અને ગૌવંશની સુરક્ષા માટે દરેક નાગરિકે પોતાની જવાબદારી સમજી આ અભિયાનમાં જોડાવું જોઈએ, તેવી લાગણી સમિતિ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
આ અભિયાનને જનઆંદોલનનું સ્વરૂપ આપવા માટે ‘આ કામ મારું પણ છે’ એવા ભાવ સાથે ગ્રામજનો, ગૌપ્રેમીઓ, સરપંચો અને પંચાયતના સભ્યોને સહભાગી થવા ખાસ અપીલ કરવામાં આવી છે. અભિયાન અંગે વધુ માહિતી મેળવવા અને તેમાં જોડાવા ઇચ્છુક વ્યક્તિઓ દીપકભાઈ પટેલ (મોબાઇલ નં. ૯૪૨૬૭૩૭૮૦૮) નો સંપર્ક કરી શકે છે, તેમ સમિતિની યાદીમાં જણાવાયું છે.
(9:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
