<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

પાટણ જિલ્લાના રાધનપુર-સમી હાઈવે પર બાસ્પા ગામ નજીકથી રૂ. ૮.૧૧ લાખનો ઈંગ્લીશ દારૂ પકડતી SMC ટીમ

ફિલ્મી ઢબે પીછો કરીને વિદેશી દારૂની હેરફેરીનો પર્દાફાશ કર્યો : પોલીસે વાહન સહિત રૂ. ૧૮.૩૧ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો, એક શખ્સની અટકાયત

(જયંતીભાઈ ઠક્કર દ્વારા) પાટણ તા.૨૮ : પાટણ જિલ્લાના રાધનપુર-સમી હાઈવે પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે ફિલ્મી ઢબે પીછો કરીને વિદેશી દારૂની હેરફેરીનો પર્દાફાશ કર્યો હતો. બાસ્પા ગામની સીમમાં મહિન્દ્રા બોલેરો કારમાંથી વિદેશી દારૂ અને બિયરની કુલ ૩,૮૦૭ બોટલો, કિંમત રૂ. ૮,૧૧,૧૪૬ સાથે રાજસ્થાનના ૨૬ વર્ષીય સુરેશકુમાર રામારામ ગોદારા (બિશ્નોઈ)ને ઝડપી પાડ્યો હતો.

 

બાતમીના આધારે પોલીસે GJ-08-FA-4227 નંબરની સફેદ બોલેરો કારનો પીછો શરૂ કર્યો હતો. ગોચનાદ ગામની સીમમાં બનાસ નદીના પુલ પાસે કાર રોકવાનો પ્રયાસ કરતા ચાલકે તૂટેલા કાચ સાથે ગફલતભરી રીતે કાર હંકારી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બાસ્પા ગામ નજીક HP પેટ્રોલ પંપ પાસે કાર ઊભી રાખીને ભાગવા જતા તેનો મોબાઈલ પડી ગયો હતો અને તે ફસડાઈ પડતા પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.

 

પકડાયેલ આરોપી સુરેશકુમાર રામારામ ગોદારા રાજસ્થાનના બાલોતરા જિલ્લાના ગુડામાલાણી તાલુકાના મોખાવા ગામનો રહેવાસી છે. પોલીસ તપાસમાં બોલેરોમાં કાળા કપડા નીચે સંતાડેલી દારૂ અને બિયરની ૩,૮૦૭ બોટલો મળી આવી હતી. પોલીસે રૂ. ૧૦ લાખની બોલેરો, રૂ. ૮,૧૧,૧૪૬નો દારૂ અને રૂ. ૨૦ હજારના ૨ મોબાઈલ ફોન સહિત કુલ રૂ. ૧૮,૩૧,૧૪૬નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

 

પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે તેના મોટા ભાઈ રામારામે સાંચોર તાલુકાના બીરાવા ગામે જાટ નામના શખ્સના ઠેકા પરથી દારૂ ભરાવી આપ્યો હતો. ત્યારબાદ વોટ્સએપ મારફતે હારીજના જલારામ મંદિર પાસેનું લોકેશન મોકલી કાર અન્ય શખ્સને સોંપવાની હતી. આ ઉપરાંત બંને વિરુદ્ધ અગાઉ લાંઘણજ અને બાલીસાણા પોલીસ મથકમાં પણ દારૂના ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું હતું.

(11:25 AM IST)