<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th October 2026

જૂનાગઢ-ગીરનારના જંગલમાં માનવતાનું ઉદાહરણ: માદા દીપડાએ બે અનાથ બચ્ચાંને પણ અપનાવ્યા : હવે ત્રણ બચ્ચા સાથે પરિવાર સુરક્ષિત : ગીરનાર ડુંગર દક્ષિણ રેન્જમાં માદા અને એક બચ્ચાનું રેસ્ક્યુ : જુઓ વિડીયો

સુત્રાપાડાના બે અનાથ બચ્ચાઓને વન વિભાગની ટીમે મિલન કરાવતા ભાવુક દ્રશ્યો સર્જાયા : તંદુરસ્તી અને જંગલમાં પરત જવા યોગ્યતા અંગે પુષ્ટિ થયા બાદ તેમને યોગ્ય કુદરતી આવાસમાં મુક્ત કરાશે : જૂનાગઢના DCF અક્ષય જોશી

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૬ : જૂનાગઢ ગીરનાર અભયારણ્યની ડુંગર દક્ષિણ રેન્જમાં વન વિભાગે એક માદા દીપડા અને તેના એક બચ્ચાનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું.

તે જ દરમિયાન ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાંથી માતાથી વિખૂટા પડેલા દીપડાના વધુ બે બચ્ચાઓ મળી આવ્યા હતા. આ બંને બચ્ચાઓની નાની ઉંમર અને અત્યંત નાજુક સ્થિતિને કારણે તેમના જીવિત રહેવાની શક્યતા ખૂબ જ ઓછી હતી.

આ પરિસ્થિતિમાં વન વિભાગના અધિકારીઓ, સ્ટાફ અને રેસ્ક્યુ ટીમે અનોખી પહેલ કરી. સતત દેખરેખ અને અથાગ મહેનત સાથે રેસ્ક્યુ કરાયેલી માદા દીપડા સાથે આ બંને અનાથ બચ્ચાઓનું મિલન કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

અંતે આ પ્રયાસ સફળ રહ્યો અને માદા દીપડાએ પોતાના સગા બચ્ચાની સાથે બંને અનાથ બચ્ચાઓને પણ માતાની મમતા સાથે સ્વીકારી લીધા. આમ હવે માદા દીપડા સાથે કુલ ત્રણ બચ્ચાઓ સુરક્ષિત છે, જે ખરેખર ભાવુક અને આનંદના દ્રશ્યો સર્જે છે.

હાલ સમગ્ર પરિવારને રેસ્ક્યુ સેન્ટર ખાતે નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો છે. વેટરિનરી ડોક્ટર દ્વારા તપાસ બાદ તેમની તંદુરસ્તી અને જંગલમાં પરત જવા યોગ્યતા અંગે પુષ્ટિ થયા બાદ તેમને યોગ્ય કુદરતી આવાસમાં મુક્ત કરવામાં આવશે તેમ જૂનાગઢના DCF અક્ષય જોશીએ જણાવ્યું હતું.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)

(3:52 PM IST)