તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th June 2026
પ્રસિદ્ધ કાયદા નિષ્ણાંત, કોલમ લેખક અને સાહિત્યકાર એડવોકેટ નજમુદ્દીન મેઘાણીનો પ્રેરણાદાયી પરિચય

રાજકોટઃ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ચૂડા ગામના વતની અને હાલ સુરતને પોતાની કર્મભૂમિ બનાવનાર એડવોકેટ શ્રી નજમુદ્દીન મેઘાણી ગુજરાતના કાનૂની અને સાહિત્યિક ક્ષેત્રે એક આદરણીય નામ ધરાવે છે. ૧૫ ફેબ્રુઆરી, ૧૯૫૩ રોજ સુરતમાં જન્મેલા નજમુદ્દીનભાઈના પિતા સ્વ. રહેમતુલ્લાહભાઈ મેઘાણી વધુ સારી તકો અને આર્થિક પ્રગતિ માટે સુરત આવીને વસ્યા હતા. શરૂઆતી જીવનમાં અનેક આર્થિક મુશ્કેલીઓ અને સંઘર્ષો હોવા છતાં, તેમણે પોતાના સપનાઓને ઓગળવા દીધા નહીં. સામાન્ય શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ તેમણે સુરતની પ્રોપ્રાયટરી સ્કૂલમાંથી માધ્યમિક અભ્યાસ પૂરો કર્યો હતો. ત્યારબાદ પી.ટી. સાયન્સ કોલેજમાંથી વિજ્ઞાન સ્નાતકની ડિગ્રી મેળવી હતી. આર્થિક સંકટો વચ્ચે પણ અડગ મનોબળ સાથે તેમણે કાયદાનો અભ્યાસ શરૂ કર્યો, જેમાં લો કોલેજના તત્કાલીન પ્રિન્સિપાલ અને તેમના માર્ગદર્શક સ્વ. એ.એ. મનજી સાહેબના આશીર્વાદ અને માતા-પિતાના પ્રોત્સાહને તેમને સફળતાના શિખરો તરફ આગળ વધાર્યા હતા.
વર્ષ ૧૯૭૭થી કાયદાના ક્ષેત્રમાં સતત કાર્યરત એવા એડવોકેટ નજમુદ્દીન મેઘાણી સુરત સિવિલ કોર્ટ, રેવન્યુ કોર્ટ, SSRD, GRT તેમજ ગુજરાત હાઈકોર્ટમાં વકીલાત કરે છે. ખાસ કરીને જમીન કાયદા વિષયમાં તેમની ઊંડી સમજ અને વિશેષ પ્રાવિણ્યના કારણે તેઓ સમગ્ર ગુજરાતમાં અગ્રણી કાયદા નિષ્ણાત તરીકે ઓળખાય છે. રેવન્યુ અને સિવિલ બાબતો ઉપરાંત એગ્રિકલચરલ-ટેનન્સી કાયદા, મિલકતના ટાઈટલ વેરિફિકેશન, દસ્તાવેજોની તૈયારી, રજિસ્ટ્રેશન તેમજ જમીન સંબંધી કન્સલ્ટન્સીમાં તેમનું પ્રદાન ખૂબ મોટું છે. પોતાના અસીલો (ક્લાયન્ટ્સ) સાથે દીર્ઘકાલીન અને વિશ્વાસસભર સંબંધો સ્થાપિત કરવા તે તેમની વ્યાવસાયિક સફળતાની ચાવી રહી છે.
કાયદાની આ જટિલ વાતો સામાન્ય પ્રજા સુધી પહોંચાડવા માટે તેમણે પ્રતિષ્ઠિત દૈનિક અખબાર ‘સંદેશ' માં ‘લો ગુરુ' તથા ‘પ્રોપર્ટીઝ લોઝ એન્ડ વ્યુઝ' નામથી કોલમ લેખન શરૂ કર્યું હતું, જેના હેઠળ તેઓ અત્યાર સુધીમાં ૭૦૦થી વધુ જ્ઞાનવર્ધક લેખો લખી ચૂક્યા છે.
તેમણે દેશના પ્રતિષ્ઠિત ન્યાયમૂર્તિઓ અને વરિષ્ઠ વકીલો સાથે મંચ વહેંચીને વિવિધ સંસ્થાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ અને વ્યાવસાયિક સંગઠનોમાં કાનૂની વિષયો પર માર્ગદર્શન આપ્યું છે. કાયદા ક્ષેત્રે સાહિત્યિક પ્રદાનની વાત કરીએ તો, તેઓ ‘લેન્ડ લોઝ જજમેન્ટ્સ' માસિકના ચીફ એડિટર છે. આ ઉપરાંત તેમણે ‘લો ગુરુ' (ચાર ભાગ), ‘પ્રોપર્ટીઝ લોઝ એન્ડ વ્યુઝ' (પાંચ ભાગ), ‘રેરા મેન્યુઅલ' (English-ગુજરાતી), ‘હક્કપત્રક અને સિટી સર્વે રેકોર્ડ મેન્યુઅલ', ‘ગુજરાત અશાંત વિસ્તારો અધિનિયમ', ‘ગુજરાત ટાઉન પ્લાનિગ એકટ', ‘મુંબઈ ભાડા હોટેલ અધિનિયમ', ‘લેન્ડ લોઝ ઈન ગુજરાત' (૨૦ વોલ્યુમ), ‘ગણોતધારો', ‘ગુજરાત જમીન મહેસૂલ ધારો' તેમજ વસિયતનામા અને વારસાહક્ક (હિન્દુ, મુસ્લિમ અને ભારતીય કાયદા) સહિતના જાટિલ વિષયો પર સરળ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં અસંખ્ય પુસ્તકોનું લેખન અને સંપાદન કરીને કાનૂની જગતને અમૂલ્ય વારસો આપ્યો છે.
નજમુદ્દીનભાઈ માત્ર અદાલત પૂરતા સીમિત ન રહેતા, છેલ્લા ૩૫ વર્ષથી વધુ સમયથી સામાજિક સેવામાં પણ એટલા જ સક્રિય રહ્યા છે. તેમણે આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્ક હેઠળ સુરત કાઉન્સિલના પ્રમુખ તરીકે બે કાર્યકાળ (૬ વર્ષ), ITREB VEG ના ચેરમેન તરીકે ૬ વર્ષ અને RCA VEG ના ચેરમેન તરીકે ૭ વર્ષ સુધી મહત્વના હોદ્દાઓ સંભાળ્યા છે. આ ઉપરાંત તેઓ કોસંબાની પી.પી. સવાણી યુનિવર્સિટીના ગવર્નિગ બોર્ડના સભ્ય છે તેમજ લાયન્સ ક્લબ, જાયન્ટ્સ ક્લબ, અંધજન શિક્ષણ મંડળ, મુસ્લિમ બ્રધરહુડ અને ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝની કારોબારી સમિતિમાં સક્રિય યોગદાન આપી રહ્યા છે.
તેમની આ બહુમુખી પ્રતિભા અને નિષ્ઠાવાન સેવાઓને ધ્યાને રાખીને અનેક પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા તેમને સન્માનિત કરવામાં આવ્યા છે. જેમાં દિવ્ય ભાસ્કર દ્વારા ર્ર્ં"Jewels of a Crown"** એવોર્ડ, ગુજરાતમિત્ર દ્વારા Star of Surat City સન્માન, તેમજ માનનીય પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે દક્ષિણ ગુજરાતની બેસ્ટ લીગલ એડવાઇઝરી ફર્મ તરીકે ર્ર્ંૅReal Icon Award પ્રાપ્ત થયો છે.
ગુજરાતી સાહિત્ય પરિષદના ૩૦મા જ્ઞાનસત્રમાં ખ્યાતનામ સાહિત્યકાર શ્રી સિતાંશુ યશヘંદ્ર દ્વારા પણ તેમનું વિશેષ બહુમાન કરાયું હતું. તેમણે શ્રી ખોડલધામ લીગલ સમિતિ (રાજકોટ), મારવાડી યુનિવર્સિટી, રાજકોટ બાર એસોસિએશન, ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (રાજકોટ), રાજકોટ-પોરબંદર-ગાંધીધામ અને સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, ક્રેડાઈ સુરત અને ગુજરાત અર્બન કો-ઓપરેટિવ બેન્ક્સ ફેડરેશન જેવી અસંખ્ય નામાંકિત સંસ્થાઓમાં મુખ્ય વક્તા તરીકે હાજરી આપીને હજારો લોકોને પોતાના જ્ઞાનનો લાભ આપ્યો છે.
(10:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
