<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં વિધિના બહાને દાગીના પડાવતી આંતર જિલ્લા ગેંગ ઝડપાઈ : ખભાનો દુઃખાવો દૂર કરવાની વિધિનાં નામે માટીની મટકીમા દાગીના મુકાવ્યા'તા

જો પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરાય તો આ ટોળકીના અનેક કારનામા બહાર આવે : ઘરના નાના દીકરાએ કુલડી બદલાતી જોઈ લેતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યા બાદ આ ઘટના રબારી સમાજના યુવાનોએ સોશિયલ મીડિયા મારફત વહેતી કરી'તી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૦ :  કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં ધાર્મિક વિધિના બહાને ગ્રામીણ લોકોને ધૂતી લેતી આંતર જિલ્લા ગેંગ લોકોની જાગૃતિના કારણે ઝડપાઈ ગઈ છે. રાપર તાલુકા ના કલ્યાણપર, સણવા તથા અન્ય ગામમાં વિધિ ના બહાને લોકો ને ફસાવતી ગેંગ નો પર્દાફાશ ગામ લોકો એ કરી સ્થાનિક પોલીસ ને જાણ કરતા કચ્છ જિલ્લામાં થી બહાર જાય તે પહેલાં આડેસર પાસે નાકાબંદી કરાઇ ઝડપી લેવાઇ હતી. આ ગેંગ દ્વારા થતી ઠગાઇ અંગે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી હતી. વાગડ વિસ્તારના રાપર તાલુકા ના ગ્રામ્ય વિસ્તારોમાં પીડા દૂર કરવાની વિધિના બહાને ઘરમાં પ્રવેશી દાગીના પડાવતી ગેંગનો રાપર તાલુકામાં પર્દાફાશ થયો છે. આ મામલે મોડી રાત્રે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. મળતી  વિગતો મુજબ તાલુકામાં કલ્યાણપર ગામે રબારી પરિવારને ઠગ ત્રિપુટીએ નિશાન બનાવ્યો હતો. આ શખ્સોએ ખભાનો દુઃખાવો દૂર કરવાની વિધિનાં નામે માટીની મટકી મા

દાગીના મુકાવ્યા હતા. આંખ બંધ કરી પ્રાર્થના કરવાનું ઠગબાજોએ કહ્યું હતું. આ દરમિયાન કુલડી બદલી દાગીના લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. ઘરના નાના દીકરાએ કુલડી બદલાતી જોઈ લેતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ ઘટના રબારી સમાજના યુવાનોએ સોશિયલ મીડિયા મારફત વહેતી કરી હતી તેમજ પોલીસને જાણ કરાઈ હતી. આ ઠગ ટોળકીને ઝડપવા શરૂઆતમાં કલ્યાણપર ગામમાં ત્યારબાદ આડેસર હાઇ-વે માર્ગ પર નાકાબંદી કરાઈ હતી. જેમાં ગામ લોકો એ પીછો કરી સ્થાનિક પોલીસ ને જાણ કરતા પોલીસની ટીમે મોબાઈલ લોકેશન સીસીટીવીના આધારે હાઇવે નજીક ગાડી રોકી ત્રણ શખ્સને ઝડપી પાડ્યા હતા. પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે . રાપર તાલુકામાં અન્ય સાથે પણ આવી ઠગાઈ છે  તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. દરમ્યાન નરેશનાથ, રમેશનાથ, અંબાનાથ અને અનોપનાથ એમ ચાર ધુતારાઓ બનાસકાંઠાના હોવાનું જાણવા મળે છે. (તસ્વીર: મુકેશ રાજગોર, રાપર)

(9:28 AM IST)