<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd April 2026

મોરબીના અનિલ પટેલની છરીના ઘા ઝીંકી હત્‍યાઃ મિત્રને ઇજા

હળવદ-માળીયા મિંયાણા વચ્‍ચે અણીયારી ટોલનાકા નજીક ધૈર્ય હોટેલ પાસે રાત્રે બનાવ : મિત્ર વિવેક અઘારા સાથે હોટલે નાસ્‍તો કરવા આવ્‍યો ત્‍યારે અજાણ્‍યા ચારથી પાંચ હુમલાખોરો તૂટી પડયાઃ બચાવવા જતાં વિવેકને પણ ઇજા થતાં તે મોરબી સારવાર હેઠળઃ રૂપિયાની લેતીદેતી મામલે ડખ્‍ખો? માળીયા મિંયાણા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો : હત્‍યાનો ભોગ બનનાર અનિલ ખેતી અને ડ્રાઇવીંગ કરતો હતોઃ તેના પિતાએ અગાઉ આપઘાત કર્યો હતોઃ વિધવા માતાનો એકનો એક આધાર હતોઃ પરિવારમાં કલ્‍પાંત

હત્‍યાનો ભોગ બનનાર અનિલ હરિલાલ કંડીયાનો ફાઇલ ફોટો, તેનો નિષ્‍પ્રાણ દેહ અને હુમલામાં ઘાયલ થયેલા મિત્ર વિવેક અઘારાનો ફાઇલ ફોટો

રાજકોટ તા. ૨૨: મોરબી રહેતાં એક યુવાન અને તેના મિત્ર પર રાત્રીના માળીયા-હળવદ વચ્‍ચેના રસ્‍તે અણીયારી ટોલનાકા નજીક આવેલી હોટેલ પાસે અજાણ્‍યા શખ્‍સો છરીથી હુમલો કરી ભાગી જતાં મોરબીના યુવાનનું મોત થયું છે. જ્‍યારે તેના મિત્રને સારવાર માટે દાખલ કરાયો છે. મુળ મોરબી જેતપરનો અને હાલ મોરબીમાં રહેતાં યુવાનની હત્‍યા કોણે અને શા માટે કરી? તે અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

જાણવા મળ્‍યા મુજબ મોરબીના મહેન્‍દ્રનગરમાં પ્રભુકૃપા રેસીડેન્‍સીમાં રહેતો અનિલ હરિલાલ કંડીયા-પટેલ (ઉ.વ.૨૮) નામનો યુવાન રાત્રીના અગીયારેક વાગ્‍યે પોતાના મિત્ર મોરબી રહેતાં વિવેક વેલજીભાઇ અઘારા-પટેલ (ઉ.વ.૨૭) સાથે અણીયારી ટોલનાકા નજીક આવેલી ધૈર્ય હોટેલ ખાતે નાસ્‍તો કરવા આવ્‍યો હતો. આ વખતે અજાણ્‍યા શખ્‍સો ધસી આવ્‍યા હતાં અને  અનિલને પડખા, સાથળમાં છરીના ઘા મારી દીધા હતાં.

મિત્ર પર હુમલો થતાં વિવેક અઘારા તેને બચાવવા વચ્‍ચે પડતાં તેને પણ પડખામાં છરી ભોંકી દેવાઇ હતી. દેકારો મચી જતાં લોકો ભેગા થઇ જતાં હુમલાખોરો ભાગી ગયા હતાં. લોહીલુહાણ હાલતમાં બંને મિત્રોને સારવાર માટે મોરબી હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. ત્‍યાંથી અનિલને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ સવારે તેણે દમ તોડી દેતાં બનાવ હત્‍યામાં પલ્‍ટાયો હતો.

વધુ માહિતી મુજબ હત્‍યાનો ભોગ બનનાર અનિલ કંડીયા એક બહેનથી નાનો અને અપરિણીત હતો. તેની બહેનના લગ્ન થઇ ગયા છે. અનિલના પિતા હયાત નથી. પિતાએ પાંચેક વર્ષ પહેલા કલેશને કારણે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. મોરબીના જેતપરનો મુળ વતની અનિલ હાલ મહેન્‍દ્રનગર મોરબી ખાતે રહેતો હતો. તે ખેતી કરવા ઉપરાંત ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતો હતો. બનાવની જાણ થતાં અનિલના કાકા રાજેશભાઇ કંડીયા સહિતના રાજકોટ હોસ્‍પિટલ ખાતે પહોંચી ગયા હતા.

હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે આ અંગે માળીયા મિંયાણા પોલીસને જાણ કરતાં ફરિયાદ નોંધવા તજવીજ શરૂ કરવામાં આવી હતી. હત્‍યાનો ભોગ બનેલા અનિલના કાકા રાજેશભાઇએ જણાવ્‍યું હતું કે અનિલની હત્‍યા કોણે અને શા માટે કરી? તેની અમને જાણ નથી. અનિલ અને તેનો મિત્ર વિવેક રાતે અણીયારી ટોલાનાકા પાસેની હોટલે નાસ્‍તો કરવા ગયા ત્‍યારે બંને પર હુમલો થયો હતો. જેમાં અનિલનું મોત થયું હતું. પૈસા મામલે અનિલને કોઇ સાથે માથાકુટ હોવાની ચર્ચા હોઇ પોલીસે તપાસ હાથ ધરી છે. હત્‍યાની આ ઘટનાથી મોરબી-માળીયા મિંયાણા પંથકમાં ચકચાર જાગી છે. 

 

(11:29 AM IST)