તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 29th October 2026
મોરબી સબ જેલ સલાહકાર સમિતિમાં બે ધારાસભ્યો સહિત છ સભ્યોની નિમણૂક.
- ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, પ્રકાશભાઈ વરમોરા અને મેયર સુરાણીનો સમાવેશ.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા મોરબી સબ જેલ માટે નવી સલાહકાર સમિતિની રચના કરવામાં આવી છે. ગાંધીનગર સચિવાલય ખાતેથી બહાર પાડવામાં આવેલા સત્તાવાર જાહેરનામા અનુસાર, આ સમિતિમાં બિનસરકારી સભ્યો તરીકે કુલ છ આગેવાનોની નિમણૂક કરાઈ છે.જેમાં ટંકારા-પડધરી અને હળવદ-ધ્રાંગધ્રા બેઠકના ધારાસભ્ય ઉપરાંત મોરબીના મેયરની પણ વરણી કરવામાં આવી છે.
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા જેલ અને સુધારાત્મક વહીવટી કચેરી અમદાવાદ મારફતે મોરબી સબજેલ માટે નવી સલાહકાર સમિતિની રચના કરવામાં આવી છે જેમાં પડધરી-ટંકારા મતવિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને હળવદ-ધ્રાંગધ્રા બેઠકના ધારાસભ્ય પ્રકાશભાઈ પરસોત્તમભાઈ વરમોરા ઉપરાંત, મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ કેટેગરીમાં મોરબીના મેયર ઉત્તમભાઈ મહેશભાઈ સુરાણીને સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત જેલ સલાહકાર સમિતિમાં સામાજિક કાર્યકર શ્રેણીમાં ત્રણ સભ્યોની વરણી થઈ છે, જેમાં જેસંગભાઈ મુળુભાઈ હુંબલ, બલભદ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલા અને નીતાબેન ત્રિકમજીભાઈ પરમારનો સમાવેશ થાય છે.
જાહેરનામામાં જણાવ્યા મુજબ, ધારાસભ્યો અને પ્રમુખ માટે આ નિમણૂકની મુદત ત્રણ વર્ષ અથવા તેમના હોદ્દાનો અંત આવે તેમાંથી જે વહેલું હોય ત્યાં સુધીની રહેશે. જ્યારે સામાજિક કાર્યકરો માટે મુદત ત્રણ વર્ષ અથવા અન્ય હુકમ ન થાય ત્યાં સુધી નક્કી કરાઈ છે. ગૃહ વિભાગના ઉપ સચિવ તીર્થ પટેલના આદેશથી રાજ્યપાલશ્રીના હુકમ અનુસાર મોરબી સબજેલ માટે નવી સલાહકાર સમિતિ માટે નિમણૂકો કરવામાં આવી હોવાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે
(1:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
