તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th November 2026
કેરા શિવ મંદિરનું સ્થાપત્ય કેનવાસ પર જીવંત થયું : કચ્છના ઐતિહાસિક વારસાને ચિત્રકળામાં કંડારતા વિદ્યાર્થીઓ
કચ્છ યુનિવર્સિટીના વિઝ્યુઅલ આર્ટ્સ વિભાગ અને કચ્છ મ્યુઝિયમના સંયુક્ત ઉપક્રમે ‘મોન્યુમેન્ટ થ્રુ પેઈન્ટિંગ’ થીમ હેઠળ લાઈવ પેઈન્ટિંગ બાદ બે દિવસીય ચિત્ર પ્રદર્શન યોજાયું

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૫ : કચ્છના સમૃદ્ધ ઐતિહાસિક, સાંસ્કૃતિક અને સ્થાપત્ય વારસાને ચિત્રકળાના માધ્યમથી જીવંત રાખવા તથા નવી પેઢીને વારસા સાથે જોડવાના ઉમદા હેતુથી ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના વિઝ્યુઅલ આર્ટ્સ વિભાગ, કચ્છ મ્યુઝિયમ (રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર) અને પુરાતત્વ વિભાગ (કચ્છ સર્કલ, ભુજ) દ્વારા વિશેષ કલાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
*મોન્યુમેન્ટ થ્રુ પેઈન્ટિંગ* : સેલિબ્રેટિંગ હેરિટેજ થ્રુ આર્ટ’ થીમ અંતર્ગત ગત ૨૩ જુલાઈના રોજ કેરા સ્થિત ઐતિહાસિક શિવ મંદિર ખાતે લાઈવ પેઈન્ટિંગ પ્રવૃત્તિ યોજાઈ હતી. જેમાં કચ્છ યુનિવર્સિટીના વિઝ્યુઅલ આર્ટ્સ વિભાગના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કેરા શિવ મંદિરના ભવ્ય સ્થાપત્ય, ઐતિહાસિક મહત્ત્વ અને કલાત્મક સૌંદર્યને પોતાની પીંછીના રંગો દ્વારા કેનવાસ પર ઉતાર્યું હતું. આ પ્રવૃત્તિ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી કલાત્મક કૃતિઓનું બે દિવસીય ચિત્ર પ્રદર્શન તા. ૩ અને ૪ નવેમ્બર દરમિયાન કચ્છ મ્યુઝિયમ, ભુજ ખાતે યોજવામાં આવ્યું હતું. પ્રદર્શનમાં વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા અને કચ્છના સ્થાપત્ય વારસા પ્રત્યેની કલાત્મક અભિવ્યક્તિ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી.
પ્રદર્શનનું ઉદ્ઘાટન કચ્છ યુનિવર્સિટીના ફાઇન આર્ટ્સ (વિઝ્યુઅલ આર્ટ્સ) વિભાગનાં ડીન ડૉ. પ્રોફેસર કાશ્મીરા મહેતાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પુરાતત્વ વિભાગ (કચ્છ સર્કલ)ના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. આદિત્ય સિંહ, શ્રી જયપાલ સિંહ જાડેજા, શ્રી ધવલ દવે તથા કચ્છ મ્યુઝિયમના ક્યુરેટર ડૉ. મહેન્દ્રસિંહ સુરેલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ફાઇન આર્ટ્સ વિભાગના શ્રી નવીન સોની, શ્રી જીગર સોની અને શ્રી રત્નેશ પાંડે પણ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓની અદભુત સર્જનાત્મકતા, કલાત્મક દૃષ્ટિકોણ અને કચ્છના સમૃદ્ધ સ્થાપત્ય વારસાને ચિત્રકળા દ્વારા દસ્તાવેજીકૃત કરવાના પ્રયાસને બિરદાવ્યો હતો. તેમણે આવા કાર્યક્રમો દ્વારા ઐતિહાસિક ધરોહરની જાળવણી સાથે યુવા કલાકારોને પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવાની તક મળે છે તેમ જણાવ્યું હતું.
કાર્યક્રમના અંતે આ કલાત્મક પ્રવૃત્તિમાં સહભાગી બનેલા તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર આયોજન દ્વારા કચ્છના ઐતિહાસિક વારસા અને આધુનિક ચિત્રકળા વચ્ચે સુંદર સેતુ રચાયો હતો. વિદ્યાર્થીઓની કલમ અને પીંછી દ્વારા કેરા શિવ મંદિરનો વારસો નવી પેઢી સમક્ષ કલાત્મક રીતે ઉજાગર થયો હતો.
(9:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
