<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st October 2026

ભાવનગરમાં જૂની અદાવતમાં બે જૂથ વચ્‍ચે સશસ્‍ત્ર ધીંગાણું અને પથ્‍થરમારો

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૨૧: ભાવનગરના કુંભારવાડા સ્‍થિત નારી રોડ પર આવેલી ક્રિષ્‍ના સોસાયટીમાં નવરાત્રી તહેવાર દરમિયાન બે જૂથ વચ્‍ચે જૂની અદાવતને લઈને સશસ્‍ત્ર ધીંગાણું ખેલાયું હતું. બંને પક્ષે સામસામે ગાળો ભાંડી, લાકડીઓ તથા તલવાર જેવા ઘાતક હથિયારો સાથે જાહેર માર્ગો અને મકાન પર ભારે પથ્‍થરમારો કરી તોડફોડ મચાવી હતી, જેમાં મકાન, લાઈટ મીટર અને ઘરવખરીને નુકસાન પહોંચાડ્‍યું હતું.

પોલીસ સૂત્રોના જણાવ્‍યા અનુસાર તા.૧૬  ની રાત્રે જૂની બોલાચાલી અંગે સમાધાન માટે એકઠા થયેલા લોકો વચ્‍ચે તકરાર થઈ હતી. ત્‍યારબાદ તા. ૧૮ ઓક્‍ટોબરની રાત્રે બદલાની ભાવનાથી એક પક્ષે બાવચંદભાઈ રાઠોડના ઘર પર હુમલો કરી મકાન અને લાઈટ મીટરમાં તોડફોડ કરી હતી. આ ઘટના બાદ બંને પક્ષોએ સામાજિક સ્‍તરે સમાધાન કરી પોલીસ ફરિયાદ કરવાનો ઈનકાર કર્યો હતો.

જોકે, તહેવારોના દિવસોમાં જાહેર શાંતિનો ભંગ અટકાવવા માટે બોરતળાવ પોલીસના એ.એસ.આઈ. પૃથ્‍વીરાજાસિહ ગોહીલે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. સીસીટીવી ચકાસણી બાદ પોલીસે બંને પક્ષના બાવચંદ રાઠોડ, ભોલા રાઠોડ, બાબુ રાઠોડ, પ્રવિણ ઉર્ફે દાઉદ, અશોક મકવાણા, ધર્મેશ ગજ્જર, દેવેન્‍દ્ર રાજપૂત સહિત ૨૪ શખ્‍સો સામે ભારતીય ન્‍યાય સંહિતાની વિવિધ કલમો અને જી.પી. એક્‍ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરી છે.

(1:07 PM IST)