તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Tuesday, 22nd September 2026
ભાવનગર જિલ્લામાં તહેવારોને લઈને તાત્કાલિક અસરથી હથિયારબંધી જાહેર
24 સપ્ટેમ્બરથી 23 ઓક્ટોબર સુધી હથિયાર, લાઠી કે સ્ફોટક પદાર્થો સાથે રાખવા પર રોક રહેશે. આ નિયમનો અનાદર કરનારને 4 મહિનાથી 1 વર્ષ સુધીની કેદ અને દંડ થઈ શકે

ભાવનગર જિલ્લા પ્રશાસન દ્વારા આગામી ધાર્મિક પર્વો દરમિયાન શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે અત્યંત મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.ડી. ગોવાણી દ્વારા 24 સપ્ટેમ્બરથી 23 ઓક્ટોબર સુધી સમગ્ર જિલ્લામાં હથિયારબંધી જાહેર કરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ નોટિફિકેશન મુજબ તમામ નાગરિકો માટે સુરક્ષિત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે લાગુ કરાયું છે.
સપ્ટેમ્બર અને ઓક્ટોબર માસ દરમિયાન અનંત ચતુર્દશી, ભાદરવી પૂનમ, પવિત્ર આસો નવરાત્રી અને વિજયાદશમી (દશેરા) જેવા મોટા તહેવારોની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થનાર છે. આ તહેવારો દરમિયાન જાહેર સ્થળો, મંદિરો, ગરબી મંડળો અને મુખ્ય માર્ગો પર લાખો નાગરિકોની ભીડ એકત્ર થતી હોય છે. સામાજિક સૌહાર્દ જોખમાય નહીં અને અસામાજિક તત્વો કોઈ અનિચ્છનીય ઘટના ન સર્જે તે હેતુથી સમગ્ર જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આગામી 1 મહિના સુધી હથિયારબંધીનો કડક અમલ રહેશે.
માત્ર શસ્ત્રો જ નહીં, પરંતુ વાતાવરણમાં વૈમનસ્ય ફેલાવી શકે તેવી ગતિવિધિઓ પર પણ અંકુશ મૂકવામાં આવ્યો છે. સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી વિના કોઈ પણ વ્યક્તિ કે જૂથ જાહેરમાં મશાલ સરઘસ કાઢી શકશે નહીં.
ઉપરાંત, જાહેરમાં શાંતિ જોખમાય તેવા ભડકાઉ ભાષણો આપવા, ધાર્મિક લાગણી દુભાવતા બિભત્સ સૂત્રોચ્ચાર કરવા, અશ્લીલ કે ઉશ્કેરણીજનક ગીતો વગાડવા પર પણ સંપૂર્ણ પાબંદી રહેશે. આ નિયમ સોશિયલ મીડિયા પર કરવામાં આવતા ઉશ્કેરણીજનક પ્રચાર સામે પણ સુરક્ષા એજન્સીઓને કડક કાર્યવાહી કરવાની સત્તા આપે છે.
જે નાગરિકો પાસે લાયસન્સવાળા પરવાનેદાર હથિયારો છે તેમના માટે પણ આ આદેશમાં સ્પષ્ટ જોગવાઈઓ કરવામાં આવી છે. લાયસન્સધારકો ભીડભાડવાળી જગ્યાઓ જેવી કે શોપિંગ મોલ, સિનેમા હોલ, જાહેર ઓડિટોરિયમ તેમજ ટાઉન હોલમાં હથિયાર સાથે પ્રવેશી શકશે નહીં.
આ સાથે જ જિલ્લામાં હથિયારોનું વેચાણ કે રિપેરિંગ કરતી અધિકૃત દુકાનોના સંચાલકોને પણ કડક સૂચના અપાઈ છે કે તેઓ પોતાની દુકાનોની બહાર કે શો-કેસમાં જાહેરમાં હથિયારોનું પ્રદર્શન કરી શકશે નહીં.
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે આ જાહેરનામું કાયદાકીય બંધનકર્તા છે. જો કોઈ પણ વ્યક્તિ આ હુકમનું ઉલ્લંઘન કરતી પકડાશે તો તેની સામે ધી ગુજરાત પોલીસ એકટની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે.
ગુનાની ગંભીરતા અનુસાર નિયમભંગ કરનાર સામે 4 મહિનાથી લઈને 1 વર્ષ સુધીની સખત કેદ અને નાણાકીય દંડની કાનૂની જોગવાઈ અમલમાં મુકાશે. સ્થાનિક પોલીસ સ્ટેશનોને પણ આ સંદર્ભે પેટ્રોલિંગ તેજ રાખવાના આદેશો આપી દેવામાં આવ્યા છે.
(9:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
