તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th July 2026
પાટણ જિલ્લામાં હથિયારો બનાવવાનું રેકેટ ઝડપાયું: ૫ દેશી કટ્ટા, ૪ કારતૂસ સાથે ૬ આરોપીની ધરપકડ
વારાહી, સમી અને શંખેશ્વર વિસ્તારમાં LCBનો દરોડોઃ સિદ્ધપુરથી જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા ૩ આતંકી પકડાયા બાદ પોલીસ એલર્ટ

(જયંતીભાઈ ઠકકર દ્વારા) પાટણ તા.૯: પાટણ જિલ્લા પોલીસે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા વારાહી, સમી અને શંખેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાથ ધરાયેલી કોમ્બિંગ કાર્યવાહીમાં હથિયારો બનાવતા મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ દરોડામાં પોલીસે ૫ દેશી બનાવટના કટ્ટા, ૪ કારતૂસ અને હથિયાર બનાવવાની સાધન-સામગ્રી સાથે કુલ ૬ આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલો મુદ્દામાલ અંદાજે ઈં ૧,૦૦,૦૦૦ નો હોવાનું પોલીસે જણાવ્યું છે.
LCBની ટીમે પાટણ જિલ્લાના વારાહી, સમી અને શંખેશ્વરના અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં મજરૂદ્દીન સૈયદ, ઈદબલખાન મલેક, અસરફખાન મલેક, નસીબખાન મલેક, હનીફ દિવાણા અને મોબીનભાઈ વેપારીનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ પાટણ અને બનાસકાંઠા જિલ્લાના વિવિધ ગામોના રહેવાસી છે
પોલીસે સ્થળ પરથી ૧ ગોક્સ પિસ્તોલ, ૪ કારતૂસ, ૨ ગ્રાઈન્ડર, ૧ પંપ એક્ટ, ૧ લોખંડી હથોડી, ૧ કટ પ્લાયર સહિત હથિયાર બનાવવાના સાધનો કબ્જે કર્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ રાજસ્થાનના રાણપુરથી હથિયારના પાર્ટસ લાવીને પાટણમાં તેને એસેમ્બલ કરીને વેચતા હતા
પકડાયેલા મોટાભાગના આરોપીઓ સામે રાજ્યભરમાં હત્યા, લૂંટ, જમ્મર, ચોરી જેવા ૧૮થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. પાટણ LCBના PI આર.જે. ઉનિયારે જણાવ્યું કે રથયાત્રા પહેલા જિલ્લામાં કાયદો-વ્યવસ્થા જાળવવા આ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ સિદ્ધપુરથી જૈશ-એ-મોહમ્મદ નામના સંગઠન સાથે સંકળાયેલા ૩ આતંકીઓને પકડાયા હતા. તે ઘટના બાદ પોલીસ એલર્ટ પર હતી. જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે પકડાયેલા આરોપીઓના રિમાન્ડ મેળવીને તેઓ કોઈ આતંકી સંગઠન સાથે જોડાયેલા છે કે કેમ તે અંગે ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવશે.
હાલ પોલીસે તમામ આરોપીઓ સામે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(2:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
