તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 9th May 2026
જખૌ નજીક શેખરણ ટાપુ પરથી 20 જેટલા બિનવારસી ચરસના પેકેટ મળ્યા
ડ્રગ્સ માફિયાઓ દ્વારા સમુદ્રી માર્ગે ઘુસાડવામાં આવતા આ નશાના જથ્થાને પકડવા માટે હવે સર્ચ ઓપરેશન વધુ વેગવંતુ બનાવાયું

કચ્છનો દરહદી દરિયાકિનારો ફરી એકવાર નશાના કારોબારને લઈને ચર્ચામાં આવ્યો છે. જખૌ નજીક આવેલા ટાપુઓ પરથી બિનવારસી હાલતમાં કેફી દ્રવ્યો મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે, જેણે સુરક્ષા એજન્સીઓની ઊંઘ હરામ કરી દીધી છે. ડ્રગ્સ માફિયાઓ દ્વારા સમુદ્રી માર્ગે ઘુસાડવામાં આવતા આ નશાના જથ્થાને પકડવા માટે હવે સર્ચ ઓપરેશન વધુ વેગવંતુ બનાવવામાં આવ્યું છે.
કચ્છના જખૌ દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન જખૌ નજીક આવેલા શેખરણ ટાપુ પરથી ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG)ની ટીમને પેટ્રોલિંગ દરમિયાન 20 જેટલા બિનવારસી ચરસના પેકેટ મળી આવ્યા છે. આ પેકેટો કોણે ફેંક્યા અને તે ક્યાંથી આવ્યા તે દિશામાં હાલ તપાસ તેજ કરવામાં આવી છે. નોંધનીય છે કે, છેલ્લા ૧૫ દિવસના ટૂંકા ગાળામાં કચ્છના વિવિધ દરિયાઈ વિસ્તારો અને ટાપુઓ પરથી બીએસએફ, કોસ્ટ ગાર્ડ અને સ્થાનિક પોલીસ જેવી વિવિધ સુરક્ષા એજન્સીઓને કુલ ૧૫૦થી વધુ ડ્રગ્સના પેકેટો મળી આવ્યા છે. આ આંકડો સૂચવે છે કે મોટા પાયે નશાનો જથ્થો ગુજરાતના દરિયાકાંઠે ઠાલવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
સતત મળી રહેલા આ બિનવારસી પેકેટો સુરક્ષા એજન્સીઓ માટે ભારે ચિંતાનો વિષય બન્યા છે. ડ્રગ્સ માફિયાઓ પકડાઈ જવાની બીકે અથવા તો જીપીએસ ટ્રેકરની મદદથી પછીથી મેળવી લેવાના ઈરાદે આ જથ્થો ટાપુઓ પર ફેંકી જતા હોવાની આશંકા સેવાઈ રહી છે. આ ઘટનાઓને પગલે કચ્છના સરહદી વિસ્તારમાં અને ખાસ કરીને નિર્જન ટાપુઓ પર સર્ચ ઓપરેશન અત્યંત તેજ કરી દેવામાં આવ્યું છે. દરિયાઈ સીમા પર બાજ નજર રાખવા માટે ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સનો વ્યાપ વધારવામાં આવ્યો છે. આગામી દિવસોમાં આ મામલે મોટા ખુલાસા થવાની શક્યતા છે.
(12:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
