<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

દ્વારકાધીશ જગતમંદિરમાં અષાઢી બીજની ભવ્ય ઉજવણી : ચાંદીના રથમાં બિરાજમાન ઠાકોરજીના ઉત્સવ સ્વરૂપની ચાર પરિક્રમા યોજાઈ

પુષ્ય નક્ષત્રના વિશેષ સંયોગમાં હજારો ભાવિકો અને પૂજારી પરિવારની ઉપસ્થિતિમાં સંપન્ન થયો રથયાત્રા મહોત્સવ : રથને સ્તંભ સાથે અથડાવવાની પરંપરા સાથે જોડાયેલી છે મેઘમહેરની પવિત્ર લોકવાયકા

દીપેશ સામાણી દ્વારા, દ્વારકા: યાત્રાધામ દ્વારકા સ્થિત જગતપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરમાં અષાઢી બીજના પાવન પર્વની પરંપરાગત હર્ષોલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. અષાઢી બીજના પવિત્ર અવસરે પુષ્ય નક્ષત્રના વિશેષ સંયોગ અનુસાર મંદિર પરિસરમાં સાંજે ૫:૦૦ થી ૭:૦૦ વાગ્યા સુધી ભગવાનના બાળ સ્વરૂપની ખાસ રથયાત્રા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અલૌકિક ધાર્મિક મહોત્સવમાં દ્વારકાધીશ મંદિરના પૂજારી પરિવાર સહિત દેશભરમાંથી ઉમટેલા હજારો ભાવિક ભક્તો ભારે ઉત્સાહભેર જોડાયા હતા અને દર્શનનો દિવ્ય લાભ લીધો હતો.

 

સફેદ ચાંદીના અશ્વો જોડેલા રથમાં બિરાજ્યા ભગવાન:

રથયાત્રા ઉત્સવ અંતર્ગત ઠાકોરજીના બાળ સ્વરૂપને આકર્ષક અને કલાત્મક ચાંદીના રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. આ રથમાં સફેદ ચાંદીના અશ્વો (ઘોડા) જોડેલા હતા. રથમાં બિરાજમાન ભગવાનના બાલ્ય સ્વરૂપને સન્મુખ રાખીને દ્વારકાધીશ મંદિરના પૂજારી પરિવાર દ્વારા ભાવિકોની ઉપસ્થિતિમાં મુખ્ય ગર્ભગૃહની ફરતે ચાર વખત ભવ્ય પરિક્રમા કરાવવામાં આવી હતી. ભગવાન દ્વારકાધીશના બાળ સ્વરૂપ સાથેના આ ચાંદીના રથની મંદિર પરિસરમાં યોજાયેલી દરેક પરિક્રમા બાદ ભગવાનને વિશેષ ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો અને મહાઆરતી પણ ઉતારવામાં આવી હતી.

 

રથને સ્તંભ સાથે અથડાવવાની વર્ષો જૂની અનોખી પરંપરા:

આ રથયાત્રા મહોત્સવ સાથે એક અતિ મહત્વની અને રસપ્રદ પરંપરા પણ જોડાયેલી છે. ભગવાન દ્વારકાધીશના બાળ સ્વરૂપની મુખ્ય મંદિરની ફરતે ચોથી અને અંતિમ પરિક્રમા પૂર્ણ થયા બાદ, રથને મુખ્ય મંદિરની બિલકુલ સામે આવેલા માતા દેવકીજીના મંદિર પાસે સ્થિત એક ખાસ સ્તંભ સાથે અથડાવવામાં આવ્યો હતો.

 

આ વિશિષ્ટ પરંપરા પાછળ એક વર્ષો જૂની પવિત્ર લોકવાયકા પ્રચલિત છે. લોકમાન્યતા અનુસાર, ઠાકોરજીના આ દિવ્ય રથને જ્યારે દેવકીજીના મંદિર પાસેના સ્તંભ સાથે અથડાવવામાં આવે છે, ત્યારે આકાશમાં ચોમાસાના વરસાદી વાદળો બંધાય છે અને દરેક જગ્યાએ સાર્વત્રિક તેમજ ઉત્તમ વરસાદ વરસે છે. આ સારા વરસાદને કારણે ખેતરોમાં ઉત્તમ પાક પાકે છે અને ધરતીપુત્રો તેમજ સામાન્ય લોકોના ઘર ધન-ધાન્યથી ભરાઈ જાય છે, તેવી દ્રઢ લોકવાયકા આજે પણ સ્થાનિકો અને શ્રદ્ધાળુઓમાં પ્રચલિત છે.

(10:01 AM IST)