<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

પ્રથમવાર ચૂંટણી લડી સીધા જિલ્લા પંચાયત પ્રમુખ બનનાર અશોક લાધવાએ ભાવનગરમાં રચ્યો નવો રાજકીય ઈતિહાસ : યુવા નેતૃત્વને મળ્યો જનાદેશ

40 બેઠકો પર ત્રિપાંખિયો જંગ ખેલાયો, એક પણ બેઠક બિનહરીફ ન થતા મતદારોએ નોંધાવ્યો ઉત્સાહપૂર્વક ભાગ, 26 એપ્રિલે મતદાન અને 28 એપ્રિલે જાહેર થયા પરિણામ

ભાવનગર તા.૨૫ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026ના પરિણામોમાં ભાવનગર જિલ્લા પંચાયતમાં ભાજપે ઐતિહાસિક સફળતા મેળવી છે. રાજકીય ક્ષેત્રે બિલકુલ નવા અને પ્રથમવાર ચૂંટણી લડનાર અશોક લાધવા સીધા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે. તેમની આ જીતે સમગ્ર જિલ્લાના રાજકારણમાં નવો ચીલો ચીતર્યો છે અને યુવા નેતૃત્વને પ્રોત્સાહન મળ્યું છે.  

 

ભાવનગર જિલ્લા પંચાયતની કુલ 40 બેઠક માટે 26 એપ્રિલ 2026ના રોજ મતદાન યોજાયું હતું અને 28 એપ્રિલ 2026ના રોજ મતગણતરી હાથ ધરાઈ હતી. આ ચૂંટણીમાં ભાજપે તમામ 40 બેઠક પર ઉમેદવાર ઉતાર્યા હતા. સામે કોંગ્રેસે પણ 40, આમ આદમી પાર્ટીએ 39 અને અપક્ષના 15 ઉમેદવાર સહિત કુલ 136 ઉમેદવારો મેદાનમાં હતા. ખાસ વાત એ રહી કે જિલ્લા પંચાયતની એક પણ બેઠક બિનહરીફ થવા પામી ન હતી, જેના કારણે તમામ બેઠકો પર સીધો ચૂંટણી જંગ ખેલાયો હતો અને મતદારોએ લોકશાહીના આ પર્વમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.  

 

અશોક લાધવા રાજકારણમાં સાવ નવા ચહેરા છે. પ્રથમવાર ચૂંટણી લડી સીધા જિલ્લાના સર્વોચ્ચ પંચાયતી પદ એટલે કે પ્રમુખ તરીકે ચૂંટાઈ આવતા તેઓ સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. ભાવનગર જિલ્લા પંચાયતની 40 બેઠક માટે કુલ 209 ફોર્મ ભરાયા હતા, 203 ઉમેદવાર હતા. તેમાંથી 69 ફોર્મ અમાન્ય ઠર્યા અને 140 માન્ય રહ્યા. 4 ફોર્મ પરત ખેંચાયા હતા. અંતે ભાજપના 40, કોંગ્રેસના 40, આપના 39 અને અપક્ષમાંથી 15 મળી કુલ 136 ઉમેદવાર મેદાનમાં રહ્યા હતા.  

 

સમગ્ર રાજ્યમાં આ વખતે 34 જિલ્લા પંચાયત, 260 તાલુકા પંચાયત અને 84 નગરપાલિકાઓમાં એક સાથે ચૂંટણી યોજાઈ હતી. ભાવનગર જિલ્લાની 10 તાલુકા પંચાયતની 210 બેઠક પર પણ ચૂંટણી યોજાઈ હતી. તાલુકા પંચાયતમાં ભાજપના 206, કોંગ્રેસના 203, આપના 166 અને અપક્ષના 52 ઉમેદવાર સહિત કુલ 643 ઉમેદવાર મેદાનમાં હતા, જેમાંથી 4 બેઠક પર ઉમેદવાર બિનહરીફ થયા હતા.  

 

પ્રથમ પ્રયાસે જ જનતાનો વિશ્વાસ જીતી જિલ્લા પ્રમુખ બનનાર અશોક લાધવાની આ જીતને રાજકીય વિશ્લેષકો ભાજપના સંગઠન અને સ્થાનિક સ્તરે કરેલા કામોની જીત તરીકે જોઈ રહ્યા છે. લાધવાની સાદગી, લોકસંપર્ક અને યુવા ચહેરો તેમને જીત અપાવવામાં મહત્વના સાબિત થયા હોવાનું મનાઈ રહ્યું છે. તેમની આ ઐતિહાસિક જીતે ભાવનગર જિલ્લાના રાજકારણમાં નવી ઊર્જાનો સંચાર કર્યો છે અને યુવાનો માટે રાજકારણમાં પ્રવેશનો નવો માર્ગ ખોલ્યો છે.

(3:43 PM IST)