<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th October 2026

ભાવનગર જિલ્લાના મહુવાના પત્રકાર રહીમ વસાયાની પુત્રી આશિયાએ બીબીએમાં પ્રથમ નંબર મેળવી ગૌરવ વધાર્યું

ધારાસભ્ય શિવાભાઈ ગોહિલના હસ્તે 5000 રોકડ પુરસ્કાર અને સન્માનપત્ર એનાયત, શિયા ઇમામી ઇસ્માઇલી ખોજા સમાજમાં ખુશીનો માહોલ

મહુવા તા.૧૯ :  મહુવાના જાણીતા પત્રકાર રહીમભાઈ રજબઅલીભાઈ વસાયા (સનાળીયા વાળા) ની પુત્રી આશિયા રહીમભાઈ વસાયાએ શિક્ષણ ક્ષેત્રે સિદ્ધિ મેળવી પરિવાર અને સમાજનું ગૌરવ વધાર્યું છે.

ગત વર્ષ 2025-26 માં બી.બી.એ. ના પ્રથમ વર્ષમાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થતાં શ્રી બી.કે.પી. મેરીટોરીયસ સ્ટુડન્ટ સ્કોલરશીપ સ્કીમ હેઠળ તેનું સન્માન કરવામાં આવ્યું હતું.

શ્રી બળવંત પારેખ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત અને શ્રી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી હેઠળની મહુવા ખાતે આવેલ ધ ગ્રુપ ઓફ પારેખ કોલેજ, શ્રી એચ.કે. પારેખ કોલેજ ખાતે ગત તા. 16/10/2026 ને શુક્રવારના રોજ એક સન્માન સમારોહ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં મહુવાના માનનીય ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલના વરદહસ્તે આશિયાને સન્માનપત્ર અને રોકડ પુરસ્કાર રૂપે રૂ. 5000 આપી સન્માનિત કરવામાં આવી હતી. ધારાસભ્યશ્રીએ તેને ભવિષ્યમાં ખૂબ પ્રગતિ કરે અને અભ્યાસમાં આગળ વધે તેવી શુભકામનાઓ પાઠવી હતી.

આ સિદ્ધિ બદલ વસાયા પરિવાર અને સમગ્ર શિયા ઇમામી ઇસ્માઇલી ખોજા સમાજમાં ગર્વ અને હર્ષની લાગણી જોવા મળી રહી છે.

(9:20 AM IST)