<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

માળિયા(મી.)માં અગાઉ લગ્નમાં થયેલ બોલાચાલીનો ખાર રાખી ફિલ્મી ઢબે હુમલો: કારથી બાઈકને ટક્કર મારી યુવાન પર ફાયરિંગ.

જૂના મનદુઃખમાં સ્વિફ્ટ કાર સવાર 4 શખ્સોએ ધોકા અને બંદૂક વડે કર્યો હુમલો, બે યુવાનો ઈજાગ્રસ્ત : પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : માળિયા મિયાણાના જખરીયા વાંઢ વિસ્તારમાં જવાના ડામર રોડ પર જૂના મનદુઃખને કારણે સ્વિફ્ટ કારમાં આવેલા 4 શખ્સોએ બે યુવાનોને મારી નાખવાના ઈરાદે મોટરસાયકલને પાછળથી ટક્કર મારી દીધી હતી. એટલું જ નહીં, કારમાંથી ઉતરીને ધોકા વડે માર માર્યા બાદ ભાગી રહેલા યુવાન પર બંદૂકથી ફાયરિંગ કરીને બંને પગમાં ગંભીર ઇજાઓ પહોંચાડી હોવાની ફરિયાદ માળિયા મિયાણા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

માળિયા મિયાણાના જખરીયા વાંઢ વિસ્તારમાં રહેતા 30 વર્ષીય યુવાન ઇદ્રીશભાઈ જાકમભાઈ માલાણીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ અનુસાર, આશરે 2 મહિના પહેલા એક લગ્ન પ્રસંગમાં તેમના કાકાના દીકરા ઈમરાન અને મયુદ્દીનને આરોપીઓ સાથે બોલાચાલી થઈ હતી. આ બાબતનું મનદુઃખ રાખીને આરોપીઓએ ગુનાહિત કાવતરું ઘડ્યું હતું.
તારીખ 02/07/2026 ના રોજ સાંજે આશરે 7:30 વાગ્યે ઈદ્રીશભાઈ અને તેમનો ભાઈ ઇમરાન બંને પોતાનું મોટરસાયકલ નંબર GJ-36-AM-4720 લઈને માળિયા ગામમાંથી મોબાઈલ રીપેર કરાવીને પરત ઘરે જઈ રહ્યા હતા. ત્યારે માળિયાથી આશરે 2 કિલોમીટર દૂર ડામર રોડ પર સામેથી સફેદ કલરની સ્વિફ્ટ કાર આવી હતી. કારમાં સવાર શખ્સોએ આ બન્નેને જોઈને ગાડી પાછી વાળી હતી અને પાછળથી મોટરસાયકલને જોરદાર ટક્કર મારી બંનેને નીચે પાડી દીધા હતા.
ગાડીમાંથી જખરીયા વાંઢ વિસ્તારના જ રહેવાસી દિનમામદ જુનુસ જેડા, ગુલામ જુનુસ જેડા, જાવેદ અમરૂદીન જેડા અને જાકીર આમદ જેડા નામના 4 શખ્સો હથિયારો સાથે નીચે ઉતર્યા હતા. જેમાં જાવેદ અને જાકીર પાસે ધોકા હતા, જ્યારે દિનમામદ પાસે લાંબી નાળ વાળી બંદૂક અને ગુલામ જુનુસ પાસે નાનું બંદૂક જેવું હથિયાર હતું. આરોપીઓએ ઈમરાનને ધોકાથી માર મારવાનું શરૂ કરતા ઇદ્રીશભાઈ વચ્ચે પડ્યા હતા, જેથી આરોપીઓએ ઈદ્રીશભાઈને પણ જમણા પગમાં ઢીચણ નીચે ધોકાના ઘા મારી ઈજા પહોંચાડી હતી. આ દરમિયાન જીવ બચાવવા માટે ઈમરાન રોડ પરથી ખેતર તરફ ભાગતા આરોપી દિનમામદ અને ગુલામે જાનથી મારી નાખવાના ઈરાદે બંદૂકમાંથી 1-1 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં ઈમરાનને બંને પગમાં છરા વાગતા તે ગંભીર રીતે ઘવાયો હતો. ગુનો આચર્યા બાદ તમામ આરોપીઓ સ્વિફ્ટ ગાડી લઈને નાસી છૂટ્યા હતા.
બનાવ બાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક માળિયા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. ઈમરાનને પગમાં છરા વાગવાથી ગંભીર ઇજા હોવાથી તેને વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. માળિયા મિયાણા પોલીસે ઈદ્રીશભાઈની ફરિયાદના આધારે આરોપીઓ વિરૂદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 109(1), 115(2), 3(5) તેમજ આર્મ્સ એકટની કલમ 25(1-b)(a), 27(1), 27(2) અને જી. Pi. એકટની કલમ 135 મુજબ ગુનો નોંધીને વધુ તપાસ ચલાવી છે

(8:26 PM IST)