<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

ભુજ સેશન્સ કોર્ટ સંકુલમાં હુમલાના બનાવથી ચકચાર: બોલાચાલી દરમ્યાન પોલીસની હાજરીમાં જ છરી ઝીંકી

ખૂન કેસની સુનાવણી માટે આવેલા રાહુલ મારવાડા ‘માસાડા’ અને મયુરગર ગુંસાઈ વચ્ચે બોલાચાલીમાં રાહુલે ઉગ્ર બની મયુરગરને છરી ઝીંકી દીધી, સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ વીડિયોએ કોર્ટ સંકુલમાં સુરક્ષા સામે સવાલો સર્જ્યા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩ :  ભુજ સેશન્સ કોર્ટના પ્રાંગણમાં ધોળાદિવસે છરી વડે જીવલેણ હુમલાની ચકચારી ઘટના સામે આવતા સમગ્ર કોર્ટ પરિસરમાં ચકચાર મચી ગઈ હતી. DySP અને PI સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ કડક પોલીસ બંદોબસ્તની હાજરીમાં જ આ હુમલો થયો હતો. વર્ષ ૨૦૨૩ના એક ગુનાની સુનાવણી માટે કોર્ટમાં આવેલા શખ્સો વચ્ચે કોઈ મુદ્દે બોલાચાલી થઈ હતી. દરમિયાન રાહુલ મારવાડા ઉર્ફે માસાડા નામના શખ્સે મયૂરગર ગુંસાઈ નામના યુવક પર છરી વડે હુમલો કર્યો હતો.

હુમલાખોરે મયૂરગરના પેટના ભાગે છરીનો ઊંડો ઘા ઝીંકી દેતા તે લોહીલુહાણ થઈ ગયો હતો. ઘટનાને પગલે કોર્ટ પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઘટના બનતાની સાથે જ ત્યાં હાજર પશ્ચિમ કચ્છ પોલીસે સતર્કતા દાખવી હુમલાખોરને ઝડપી લીધો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને રાહુલ મારવાડા ઉર્ફે માસાડાને રાઉન્ડઅપ કરી લેતતા જાનહાનિ ટળી હતી. આરોપી રાહુલ ઉર્ફે માસાડા સામે અગાઉ પણ હત્યા સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. હાલ સમગ્ર મામલે રાહુલ મારવાડાની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

કોર્ટ જેવા સુરક્ષિત ગણાતા સંકુલમાં, તે પણ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથેના કડક બંદોબસ્તની હાજરીમાં જ છરી વડે જીવલેણ હુમલો થતાં સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ધોળાદિવસે બનેલી આ ઘટનાથી કોર્ટ પરિસરમાં ભયનો માહોલ ફેલાયો હતો.

(9:37 AM IST)