<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th November 2026

જૂનાગઢ કોર્ટ પરિસરમાં દિવ્યાંગ દીકરીઓ દ્વારા નિર્મિત દિવાળી સુશોભનની આકર્ષક વાનગીઓનું પ્રદર્શન અને વેચાણ સ્ટોલ યોજાયો : કાનૂની સેવા સત્તા મંડળનું સરાહનીય આયોજન

જિલ્લા જજ શ્રી એસ. એલ. ઠક્કરે સ્ટોલની મુલાકાત લઈ દીકરીઓની આવડતને બિરદાવી, કરી ખરીદી : વકીલો તેમજ ન્યાયાધીશોએ ખરીદી કરી દિવ્યાંગ દીકરીઓના કૌશલ્ય અને આત્મવિશ્વાસને આપ્યું પ્રોત્સાહન

વીનું જોષી દ્વારા, જૂનાગઢ: દિવાળીના પવિત્ર તહેવારના આગમન નિમિત્તે અતિ ગંભીર દિવ્યાંગ દીકરીઓની નિઃશુલ્ક નિવાસી સંસ્થા 'સાંત્વન વિકલાંગ વિકાસ મંડળ' (મુ. માખીયાળા, ગુલાબ નગર, ધોરાજી રોડ, તા.જિ. જૂનાગઢ) ની દીકરીઓને પ્રોત્સાહન મળે તેવા ઉમદા હેતુથી જૂનાગઢ કોર્ટ ખાતે વિશેષ પ્રદર્શન અને વેચાણ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન જૂનાગઢ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા તા. ૧૧/૧૧/૨૦૨૬ ના રોજ કરવામાં આવ્યું હતું. આ સ્ટોલમાં સાંત્વન સંસ્થાની દિવ્યાંગ દીકરીઓ દ્વારા પોતાની કળા, મહેનત અને સર્જનાત્મકતાથી તૈયાર કરવામાં આવેલા વિવિધ પ્રકારના દીવડા, તોરણ, ઝુમ્મર, માળાઓ સહિત દિવાળીની સજાવટની આકર્ષક ચીજવસ્તુઓ પ્રદર્શન અને વેચાણ માટે મૂકવામાં આવી હતી.

જિલ્લા જજ સહિતના ન્યાયાધીશો દ્વારા ખરીદી અને પ્રોત્સાહન:
જૂનાગઢ જિલ્લા જજ શ્રી એસ. એલ. ઠક્કરે આ પ્રસંગે સ્ટોલની વિશેષ મુલાકાત લીધી હતી. તેમણે દિવ્યાંગ દીકરીઓ દ્વારા સ્વહસ્તે બનાવવામાં આવેલી ગૃહ સુશોભનની સુંદર ચીજવસ્તુઓ નિહાળીને ખરીદી કરી હતી અને તેમની અદ્ભુત આવડત તથા મહેનતને બિરદાવીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

સુચારુ વ્યવસ્થા અને કાનૂની આલમનો સહયોગ:
આ સમગ્ર આયોજન માટે સીનિયર સિવિલ જજ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જૂનાગઢના સેક્રેટરી ડી. કે. ચંદનાણી તેમજ હેડ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જૂનાગઢના નયનભાઈ વૈષ્ણવ અને રજીસ્ટાર ડી. કે. દવે દ્વારા સ્ટોલ માટે જરૂરી તમામ ઉત્કૃષ્ટ વ્યવસ્થાઓ કરી આપવામાં આવી હતી. આ ઉપરાંત, જૂનાગઢ જિલ્લા કોર્ટના તમામ વકીલ ભાઈઓ અને બહેનોએ પણ સ્ટોલની મુલાકાત લઈ સાંત્વન પરિવારની દીકરીઓ દ્વારા બનાવવામાં આવેલી વસ્તુઓની ઉત્સાહભેર ખરીદી કરી હતી અને દીકરીઓના આત્મવિશ્વાસ, સ્વાવલંબન તથા કૌશલ્યવિકાસને બળ પૂરું પાડ્યું હતું.

સાંત્વન પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરાયો:
દિવ્યાંગ દીકરીઓના હાથમાં રહેલી કળાને જ્યારે સમાજનો સાથ મળે છે ત્યારે તેમની મહેનતને નવી ઓળખ અને આત્મવિશ્વાસને નવી ઉડાન મળે છે. આ સુંદર આયોજન બદલ સાંત્વન પરિવારના પ્રતિનિધિઓ શ્રીમતી નિલમબેન પરમાર અને શ્રીમતી રેખાબેન પરમાર દ્વારા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જૂનાગઢ, માનનીય ન્યાયાધીશો, તમામ વકીલો તથા સહયોગ આપનાર સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

(9:47 PM IST)