<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

જામનગર મહાનગરપાલિકામાં સાંજે ૬ વાગ્યા સુધીમાં સરેરાશ ૫૭.૮૪ ટકા મતદાન

કુલ નોંધાયેલા મતદારોની સંખ્યા ૪,૪૨,૮૪૧ હતી, જેમાંથી કુલ ૨,૫૬,૧૮૫ મતદારો દ્વારા પોતાના મતાધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો

જામનગર: જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી અંતર્ગત આજે શહેરના વિવિધ વોર્ડ માં શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર મતદાન યોજાયું હતું. સવારે પ્રારંભ થી જ મતદારોમાં સારો ઉત્સાહ જોવા મળ્યો હતો અને દિવસ દરમિયાન સતત મતદાન પ્રક્રિયા ચાલી રહી હતી.
મળેલ પ્રાથમિક આંકડાઓ મુજબ કુલ નોંધાયેલા મતદારોની સંખ્યા ૪,૪૨,૮૪૧ હતી, જેમાંથી કુલ ૨,૫૬,૧૮૫ મતદારો દ્વારા પોતાના મતાધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમાં પુરુષ મતદારોની સંખ્યા ૧,૪૦,૦૧૪ રહી હતી, જ્યારે મહિલા મતદારોની સંખ્યા ૧,૧૬૧૪૦ નોંધાઈ હતી.
આ મુજબ કુલ મતદાન ટકાવારી અંદાજે ૫૭.૮૪ ટકા રહી હતી. જેમાં પુરુષ મતદાન ટકાવારી આશરે ૬૧.૫૮ ટકા તથા મહિલા મતદાન ટકાવારી આશરે ૫૩.૯૦ ટકા નોંધાઈ છે.
વોર્ડવાઇઝ મતદાન ટકાવારીમાં કેટલાક વિસ્તારોમાં સરેરાશ કરતા વધુ મતદાન નોંધાયું હતું, જ્યારે કેટલાક વિસ્તારોમાં મધ્યમ પ્રમાણમાં મતદાન નોંધાયું હતું. કેટલીક જગ્યાએ ૭૦ ટકા જેટલું મતદાન નોંધાયું, જ્યારે ઓછા મતદાન ધરાવતા વિસ્તારોમાં આશરે ૪૫ ટકા જેટલું મતદાન નોંધાયું હતું.
સાંજે ૬ વાગ્યા સુધીમાં સૌથી વધુ વોર્ડ નંબર એક માં ૭૫.૯૩ ટકા તથા સૌથી ઓછું વોર્ડ નંબર ૪ માં ૪૫.૮૯ ટકા  મતદાન નોંધાયુ છે.
ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પોલીસ અને પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી સમગ્ર મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ શકે. કોઈપણ અનિચ્છનીય બનાવ બન્યો નથી અને સમગ્ર પ્રક્રિયા સુચારુ રીતે પૂર્ણ થઈ હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
મતગણતરીની પ્રક્રિયા આગામી દિવસોમાં હાથ ધરાશે, જેના પરિણામે શહેરના નવા નગરપાલિકા પ્રતિનિધિઓ નક્કી થશે.

(9:39 PM IST)