તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th April 2026
જુનાગઢ જિલ્લા અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં સાંજે 5 સુધીમાં સરેરાશ 54.22 ટકા મતદાન : લોકશાહીના પર્વમાં મતદારોનો ઉત્સાહ : વાંચો વિગતવાર
માળિયા હાટીનામાં સૌથી વધુ 61.40 ટકા મતદાન સાથે મોખરે રહ્યું જ્યારે ભેંસાણ અને જૂનાગઢ તાલુકામાં મતદાનની ટકાવારી સાપેક્ષમાં ધીમી રહી

વિનુ જોશી દ્વારા,જૂનાગઢ: જૂનાગઢ જિલ્લામાં આજે યોજાયેલ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં સવારના 7 થી સાંજના 5 વાગ્યા સુધીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સમગ્ર જિલ્લાના નવ તાલુકાઓમાં સરેરાશ 54.22 ટકા મતદાન નોંધાયું છે. જિલ્લાના કુલ 7,71,030 મતદારોમાંથી 4,18,054 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ કર્યું છે.
તાલુકાવાર મતદાનની વિગતવાર આંકડાકીય માહિતી:
જૂનાગઢ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં નોંધાયેલ મતદાનની ટકાવારી નીચે મુજબ રહી છે:
માળિયા હાટીના: આ તાલુકામાં સૌથી વધુ 61.40 ટકા મતદાન નોંધાયું છે, જેમાં 40,420 પુરુષો અને 33,203 મહિલાઓએ મતદાન કર્યું.
માણાવદર: અહીં 55.32 ટકા મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે.
વંથલી: વંથલી તાલુકામાં 54.43 ટકા મતદાન નોંધાયું છે.
કેશોદ: કેશોદ તાલુકામાં 53.33 ટકા મતદાન થયું છે.
મેંદરડા: અહીં 53.29 ટકા મતદાન નોંધાયું છે.
માંગરોળ: માંગરોળમાં 53.08 ટકા મતદાન થયું છે.
વિસાવદર: વિસાવદર તાલુકામાં 51.73 ટકા મતદાન નોંધાયું છે.
જૂનાગઢ: જિલ્લા મથક જૂનાગઢ તાલુકામાં 51.40 ટકા મતદાન થયું છે.
ભેંસાણ: આ તાલુકામાં સૌથી ઓછું 51.11 ટકા મતદાન નોંધાયું છે.
કેશોદ નગરપાલિકાની ચૂંટણીમાં પણ જનતાનો જોશ:
જિલ્લા પંચાયતની સાથે કેશોદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી પણ યોજાઈ હતી. જેમાં કુલ 53,495 મતદારોમાંથી 26,497 મતદારોએ મતદાન કરતા 49.53 ટકા મતદાન નોંધાયું છે. નગરપાલિકા વિસ્તારમાં પુરુષોનું મતદાન 53.51 ટકા અને મહિલાઓનું મતદાન 45.20 ટકા રહ્યું છે.
જાતીય રીતે મતદાનનું વિશ્લેષણ:
જિલ્લાની ચૂંટણીમાં પુરુષ મતદારોમાં મતદાન પ્રત્યે વધુ જાગૃતિ જોવા મળી છે. કુલ 4,04,510 પુરુષ મતદારોમાંથી 2,35,858 (58.31 ટકા) પુરુષોએ મતદાન કર્યું છે, જ્યારે 3,66,520 મહિલા મતદારોમાંથી 1,82,196 (49.71 ટકા) મહિલાઓએ મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો છે. વહીવટી તંત્ર દ્વારા તમામ કેન્દ્રો પર ચુસ્ત સુરક્ષા અને વ્યવસ્થા જાળવવામાં આવી હતી.
(6:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
