<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

‘બેબીસીયા'અટકાવવા જાગળતિ અભિયાન શરૂ કરાશે, જંગલ મોનિટરિંગ વધારાશેઃ અર્જુનભાઈ મોઢવાડિયા

સતર્કતાઃ વન અને પર્યાવરણ મંત્રીએ આપી પ્રતિક્રિયા,પશુપાલકોને ગભરાવા નહીં, તકેદારી રાખવા અપીલ કરી વન વિભાગ અને પશુપાલન વિભાગને સંયુક્‍ત સર્વે અને તાત્‍કાલિક કાર્યવાહીના આદેશ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૨૭:ગુજરાત રાજ્‍યના કેટલાક વિસ્‍તારોમાં જોવા મળી રહેલા બેબીસીયા વાયરસના કેસને લઈને  વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્‍યું કે રાજ્‍ય સરકાર પરિસ્‍થિતિ પર બારીકાઈથી નજર રાખી રહી છે અને પશુપાલકોને ગભરાવાને બદલે તકેદારી રાખવા અપીલ કરી છે. 

મંત્રી શ્રી મોઢવાડિયાએ જણાવ્‍યું કે, ‘‘બેબીસીયા વાયરસ મુખ્‍યત્‍વે ઈતરડી દ્વારા પશુઓમાં ફેલાતો રોગ છે. વન વિભાગ અને પશુપાલન વિભાગને સંયુક્‍ત રીતે અસરગ્રસ્‍ત વિસ્‍તારોમાં સર્વે કરવા અને તાત્‍કાલિક નિવારક પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. જંગલ વિસ્‍તાર તથા તેની આસપાસના ગામડાઓમાં વન્‍યપ્રાણીઓ અને પશુધનનું મોનિટરિંગ વધારવામાં આવશે.'' 

તેમણે વધુમાં ઉમેર્યું કે પશુપાલકોએ તેમના પશુઓમાં તાવ, ભૂખ ન લાગવી, પેશાબનો રંગ લાલ થવો જેવા લક્ષણો દેખાય તો તુરંત નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરવો. ગૌશાળા અને વાડાઓમાં સ્‍વચ્‍છતા જાળવવી અને ઈતરડી નિયંત્રણ માટે નિયમિત દવાનો છંટકાવ કરવો અત્‍યંત જરૂરી છે. 

રોગચાળો વધુ ન ફેલાય તે માટે રાજ્‍યભરમાં પશુપાલકો માટે જાગળતિ અભિયાન શરૂ કરવામાં આવશે. વન વિભાગની ટીમોને સતર્ક કરી દેવામાં આવી છે અને વન્‍યજીવોમાં કોઈ અસામાન્‍ય લક્ષણો દેખાય તો તાત્‍કાલિક રિપોર્ટ કરવા જણાવાયું છે. 

‘‘સરકાર પશુપાલકોની પડખે છે. ગભરાટની કોઈ જરૂર નથી, પરંતુ સાવચેતી જરૂરી છે,'' એમ મંત્રીશ્રીએ અંતમાં જણાવ્‍યું હતું.

(11:53 AM IST)