<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st November 2026

બગદાણા આશ્રમ વિવાદ ફરી ચર્ચામાં : કોળી સમાજની 14 માંગણીઓ, ટ્રસ્ટમાં પ્રતિનિધિત્વ અને પુણ્યતિથિના મંચ સંચાલનને લઈને ઉગ્રતા

બજરંગદાસ બાપાની 50મી પુણ્યતિથિ પહેલા ટ્રસ્ટ સામે મોરચો, સ્થાનિક ધંધાર્થીઓની હેરાનગતિ અને રાજકીય દખલગીરીના આક્ષેપોએ વિવાદને વધુ ઘેરો બનાવ્યો

ભાવનગર તા.૨૧ : લાખો શ્રદ્ધાળુઓની આસ્થા અને સેવાનું કેન્દ્ર એવું ભાવનગરનું પ્રસિદ્ધ બગદાણા ધામ ફરી એક વખત વિવાદના વમળમાં સપડાયું છે. આસ્થાની આ ભૂમિ પર હવે સામાજિક અસંતોષ અને રાજકીય દખલગીરીના ગંભીર આક્ષેપો ગુંજી રહ્યા છે. કોળી સમાજે ટ્રસ્ટ મંડળ સામે 14 માંગણીઓ સાથે મોરચો માંડ્યો છે, તો બીજી તરફ આ મામલે કોંગ્રેસ પણ મેદાને ઉતરી છે.

 

તાજેતરમાં મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો બગદાણા ખાતે એકત્રિત થયા હતા અને નવનીત બાલધિયાની આગેવાનીમાં ટ્રસ્ટ મંડળ તથા વહીવટદારને આવેદનપત્ર પાઠવી વિવિધ 14 માંગણીઓ રજૂ કરી હતી. આ 14 માંગણીઓમાં પ્રથમ અને મુખ્ય માંગ એ છે કે બગદાણા ગુરુ આશ્રમના ટ્રસ્ટી મંડળમાં સ્થાનિક કોળી સમાજના વ્યક્તિને સ્થાન આપવામાં આવે. આ ઉપરાંત બીજો મહત્વનો મુદ્દો એ છે કે બજરંગદાસ બાપાની આગામી 50મી પુણ્યતિથિના કાર્યક્રમનું સ્ટેજ સંચાલન માયાભાઈ આહીરને ન સોંપવામાં આવે. સમાજે ચીમકી ઉચ્ચારી છે કે જો આ માંગણીઓ નહીં સંતોષાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.

 

આ વિવાદમાં બગદાણા ધામની આસપાસના નાના ધંધાર્થીઓ અને પાથરણાવાળાઓએ પણ આશ્રમ પ્રશાસન અને ટ્રસ્ટના ઈશારે તેમને હેરાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ લગાવ્યો છે. સાથે જ આશ્રમની જમીનને લઈને ચાલી રહેલા વિવાદ, વહીવટમાં રાજકીય વ્યક્તિઓની કથિત દખલગીરી અને મુંબઈથી બગદાણા આશ્રમનું સંચાલન થતું હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે.

 

આ ઉપરાંત કોળી સમાજના આગેવાનોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે આશ્રમમાં કોળી સમાજની બહેનોને માત્ર વાસણ ધોવા જેવાં કામો સોંપવામાં આવે છે અને સમાજને યોગ્ય માન-સન્માન મળતું નથી. સમાજની બહેનો અને પરિવારોને યોગ્ય માન-સન્માન તથા સમાન વ્યવહાર મળવો જોઈએ તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી છે. આગામી ચૂંટણીમાં કોળી સમાજમાંથી સરપંચ બને અને ગામના વહીવટમાં સમાજનું પ્રતિનિધિત્વ વધે તે માટે પણ આગેવાનોએ અપીલ કરી છે.

 

આ વિવાદની શરૂઆત બગદાણા ગામના કોળી સમાજના યુવક નવનીત બાલધિયા પર થયેલા હુમલાની ઘટનાથી થઈ હતી. તે ઘટનામાં લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરનું નામ સામે આવ્યું હતું અને તેમને જેલમાં પણ જવું પડ્યું હતું. તે વિવાદ હજુ પૂરો શાંત નથી થયો ત્યાં હવે નવા મુદ્દાઓ સાથે ફરી વિવાદ વકર્યો છે.

 

બીજી તરફ આ વિવાદમાં નવનીત બાલધિયા સામે પણ સામા પક્ષે ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. સામાજિક કાર્યકર ઉમેશસિંહ ગોહિલ અને મોણપર સ્ટેટના ક્ષત્રિય યુવાન કનકસિંહ ગોહિલે નવનીત બાલધિયા પર ગૌચર જમીન પર ગેરકાયદેસર ખનન, ભ્રષ્ટાચાર અને નાણાકીય અનિયમિતતાના આક્ષેપો કર્યા છે. તેમણે પોતાની પાસે પુરાવા હોવાનો દાવો પણ કર્યો છે.

 

આ દરમિયાન બગદાણામાં શ્રદ્ધાળુ સાથે ગેરવર્તનનો મામલો પણ સામે આવ્યો હતો. પાર્કિંગની બાબતે 13 વર્ષની બાળકીની હાજરીમાં શ્રદ્ધાળુ સાથે ગાળાગાળી કરનાર પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈ ભરવાડની ભાવનગર એસપી દ્વારા તાત્કાલિક બદલી કરી દેવામાં આવી હતી.

 

હાલ કોળી સમાજના આગેવાનોએ બગદાણા ખાતે બેઠક કરીને આગળની રણનીતિ ઘડી છે. ટ્રસ્ટી મંડળ સાથે રૂબરૂ ચર્ચા કરીને સમાજની માંગણીઓ મૂકવાની તૈયારી કરવામાં આવી રહી છે. ટ્રસ્ટ તરફથી હજુ આ અંગે કોઈ સ્પષ્ટ ખુલાસો આવ્યો નથી, ત્યારે આગામી દિવસોમાં આ વિવાદ કયો વળાંક લેશે તેના પર સૌની નજર રહેશે.

(4:52 PM IST)