News of Saturday, 28th November 2026
“બહુત બઢીયા..." કચ્છના ખાવડામાં અદાણીના રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટનું વિશાળ સ્વરૂપ જોઈ દિલજીત દોસાંઝ અભિભૂત
એક સમયે વેરાન રણ વિસ્તારમાં અત્યારે ૧૫ હજારથી વધુ લોકો કામ કરી રહ્યા છે, વર્ષ ૨૦૨૯ સુધીમાં ખાવડા બનશે વિશ્વનો સૌથી મોટો ગ્રીન એનર્જી પાવર જનરેશન પ્લાન્ટ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૮ : વૈશ્વિક સંગીત જગતના જાણીતા કલાકાર દિલજીત દોસાંઝે કચ્છના ખાવડા ખાતે આવેલા અદાણી ગ્રુપના વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. પ્રોજેક્ટનું વિશાળ સ્વરૂપ નિહાળીને તેમણે “બહુત બઢીયા!” કહી પોતાની ખુશી વ્યક્ત કરી હતી. ગુજરાત પ્રવાસ દરમિયાન તેમણે આ સપ્તાહની શરૂઆતમાં આશરે ૫૩૮ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા આ મેગા પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી.
મુલાકાત દરમિયાન દિલજીત દોસાંઝે પ્રોજેક્ટમાં કાર્યરત એન્જિનિયરો સાથે સંવાદ કરી રણપ્રદેશમાં આટલા વિશાળ પ્રોજેક્ટના નિર્માણમાં આવતા એન્જિનિયરિંગ અને લોજિસ્ટિકલ પડકારો વિશે જાણકારી મેળવી હતી. વ્યુઇંગ ટાવર પરથી દૂર સુધી ફેલાયેલી સોલાર પેનલો અને વિશાળ વિન્ડ ટર્બાઇન્સનું દૃશ્ય નિહાળ્યું હતું. સેન્ટ્રલ કંટ્રોલ રૂમમાં પ્રોજેક્ટના ડિજિટલ મોનિટરિંગ અને સંચાલનની કામગીરી પણ જાણી હતી. આ પ્રસંગે તેમણે પ્રકૃતિ પ્રત્યેની પ્રતિબદ્ધતાના પ્રતીકરૂપે એક રોપાનું વાવેતર કર્યું હતું. ખાવડા ટીમ દ્વારા તેમને કચ્છની પરંપરાગત રોગન આર્ટની કલાકૃતિ અને અજરખ પ્રિન્ટનો સ્કાર્ફ ભેટ આપવામાં આવ્યો હતો.
આશરે ૩૦ ગીગાવોટ ક્ષમતાના ખાવડા રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટમાં અત્યાર સુધીમાં ૧૧ ગીગાવોટથી વધુ ઊર્જા ઉત્પાદન ક્ષમતા કાર્યરત થઈ ચૂકી છે. સંપૂર્ણ વિકાસ બાદ અહીં ૨૬ ગીગાવોટ સોલાર અને ૪ ગીગાવોટ વિન્ડ ઊર્જાનું ઉત્પાદન થશે. પ્રોજેક્ટમાં ૬.૬૩ ગીગાવોટ અવર ક્ષમતાની બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ પણ કાર્યરત કરવામાં આવી છે, જે ગ્રીન એનર્જીનો વિશ્વસનીય પુરવઠો અને પાવર ગ્રીડની સ્થિરતા જાળવવામાં મદદરૂપ થશે. ભવિષ્યમાં આ ક્ષમતા વધારી ૫૦ ગીગાવોટ અવર કરવાની યોજના છે.
હાલમાં ૧૫ હજારથી વધુ લોકો આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટના નિર્માણ અને સંચાલન સાથે જોડાયેલા છે. આશરે પેરિસ શહેર કરતાં પાંચ ગણો વિશાળ વિસ્તાર ધરાવતો આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ દર વર્ષે ૧.૭ કરોડથી વધુ ઘરોને વીજળી પૂરી પાડવાની ક્ષમતા ધરાવશે. વર્ષ ૨૦૨૯ સુધીમાં ખાવડા તમામ ઊર્જા સ્ત્રોતોને આવરી લેતો વિશ્વનો સૌથી મોટો પાવર જનરેશન પ્લાન્ટ બનવાનું લક્ષ્ય ધરાવે છે.
અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવી રહેલો આ પ્રોજેક્ટ ભારતના ગ્રીન એનર્જી પરિવર્તનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. વર્ષ ૨૦૩૦ સુધીમાં ૫૦૦ ગીગાવોટ નોન-ફોસિલ આધારિત ઊર્જા ક્ષમતા હાંસલ કરવાના ભારતના રાષ્ટ્રીય લક્ષ્યાંકને સાકાર કરવામાં પણ ખાવડા પ્રોજેક્ટનું નોંધપાત્ર યોગદાન રહેશે.
(9:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
