તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 3rd November 2026
કેશોદમાં ગૌવંશની ગેરકાયદે કતલના ગુનામાં આરોપીની જામીન અરજી રદ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૩: જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે ગૌવંશની ગેરકાયદેસર કતલ તથા પશુઓ પ્રત્યે ક્રૂરતા આચરવાના ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપી હનીફ ઉર્ફે વલ્લો અહમદભાઈ શેખની રેગ્યુલર જામીન અરજી નામદાર ૨જા એડિશનલ સેશન્સ કોર્ટ, કેશોદ દ્વારા નામંજૂર કરવામાં આવી છે.
આ કેસની હકીકત મુજબ, મેંગરોળ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર અન્વયે ભારતીય ન્યાય સંહિતા, ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ તથા પ્રિવેન્શન ઓફ ક્રુએલ્ટી ટુ એનિમલ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
પોલીસ તપાસ દરમિયાન આરોપીના રહેણાંક મકાનમાંથી ૪૦ કિલો ગૌવંશનું માંસ, જેમાં ખુરા સહિતના ૬ પગનો સમાવેશ થાય છે, જેની અંદાજિત કિંમત રૂ. ૮,૦૦૦/- તથા કતલમાં ઉપયોગમાં લેવાતા કુલ ૮ છરા મળી આવ્યા હતા. વધુમાં, આશરે ૫થી ૬ માસની ઉંમરના ૬ વાછરડાંને ટૂંકી દોરીથી બાંધી રાખી, ઘાસચારા અને પાણીની યોગ્ય વ્યવસ્થા કર્યા વગર ક્રૂરતાપૂર્વક રાખવામાં આવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.
આરોપી પોલીસ રેઇડ દરમિયાન સ્થળ ઉપર હાજર ન મળી આવતાં બાદમાં તેને પકડી પાડવામાં આવ્યો હતો. આરોપી વિરુદ્ધ અગાઉ પણ સમાન પ્રકારના ગેરકાયદેસર પશુ કતલ સંબંધિત ગુનાઓમાં સંડોવણી હોવાની બાબત તથા જામીન ઉપર મુક્ત કરવામાં આવે તો ફરીથી આવા ગુનાઓ આચરવાની શકયતા સહિતના મુદ્દાઓ સરકારી પક્ષ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.
સરકારી પક્ષની મજબૂત દલીલો, પોલીસ તપાસમાં મળી આવેલ ભૌતિક પુરાવા, આરોપીનો ગુનાહિત ઇતિહાસ તથા ગુનાની ગંભીરતા ધ્યાને લઈ એડિશનલ સેશન્સ જજ સંજયભાઇ ધ્રુવકુમાર પાંડેએ કેશોદ દ્વારા ક્રિમિનલ મિસ. અરજી અન્વયે આરોપીની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
