તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th April 2026
બાણેજ ફરી એકવાર વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશની અનોખી ઓળખ બનશે : માત્ર એક મત માટે વહીવટીતંત્રની આખી ચૂંટણી ટીમ જશે જંગલમાં
ગીરગઢડા તાલુકામાં આવેલ બાણેજ મહાદેવ મંદિરના મહંત હરિદાસ બાપુ માટે ભારતનું ચૂંટણી પંચ ખાસ વ્યવસ્થા કરી રહ્યું છે

ગીર સોમનાથ જિલ્લાના અંતરિયાળ જંગલોમાં આવેલું બાણેજ ફરી એકવાર વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશની અનોખી ઓળખ બનવા જઈ રહ્યું છે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગીરગઢડા તાલુકામાં આવેલ બાણેજ મહાદેવ મંદિરના મહંત હરિદાસ બાપુ માટે ભારતનું ચૂંટણી પંચ ખાસ વ્યવસ્થા કરી રહ્યું છે. લોકશાહીમાં 'દરેક મત કિંમતી છે' એ સૂત્રને સાર્થક કરતા આ બૂથ પર માત્ર 1 મતદાતા માટે આખી પોલિંગ ટીમ, સુરક્ષા જવાનો અને જરૂરી ઈવીએમ મશીનો સાથે ગાઢ જંગલ ખૂંદશે. આ પરંપરા ભારતીય ચૂંટણી પંચના તે સંકલ્પને દોહરાવે છે કે કોઈ પણ મતદાતા પોતાના મતાધિકારથી વંચિત ન રહેવો જોઈએ, ભલે તે ભૌગોલિક રીતે ગમે તેટલા દુર્ગમ વિસ્તારમાં હોય.
બાણેજમાં મતદાન મથકની સ્થાપના 2002માં કરવામાં આવી હતી. આ અગાઉ અહીંના પૂર્વ મહંત સ્વર્ગસ્થ ભરતદાસ બાપુ વર્ષો સુધી એકમાત્ર મતદાતા તરીકે મતાધિકારનો ઉપયોગ કરતા હતા. તેમના અવસાન બાદ તેમના શિષ્ય હરિદાસ બાપુએ આ વારસો જાળવી રાખ્યો છે. ચૂંટણી પંચના નિયમ મુજબ, જો કોઈ વિસ્તારમાં એક પણ રજિસ્ટર્ડ મતદાતા હોય, તો ત્યાં 2 કિલોમીટરના અંતરે મતદાન મથક હોવું અનિવાર્ય છે. બાણેજની ભૌગોલિક સ્થિતિ એવી છે કે નજીકનું અન્ય કોઈ મથક 20 કિલોમીટર દૂર છે, પરિણામે જંગલના પ્રાણીઓ અને સુરક્ષાના જોખમો વચ્ચે પણ તંત્ર અહીં ખાસ બૂથ ઊભું કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મન કી બાત કાર્યક્રમમાં આ બૂથનો ઉલ્લેખ કરી ભારતીય લોકશાહીની ગરિમા તરીકે તેને બિરદાવ્યું હતું.
ચૂંટણી અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પ્રક્રિયા માત્ર એક વોટ લેવાની નથી, પરંતુ બંધારણીય મૂલ્યોની જાળવણીની છે. મતદાનના દિવસે પ્રિસાઇડિંગ ઓફિસર સહિત 5 થી 6 કર્મચારીઓની ટીમ વહેલી સવારે જંગલના કાચા માર્ગો પરથી પસાર થઈને બાણેજ પહોંચશે. જોકે, હરિદાસ બાપુએ થોડો વસવસો વ્યક્ત કરતા જણાવ્યું છે કે, આ સ્થળની પ્રસિદ્ધિ છતાં રાજકીય પક્ષોના ઉમેદવારો પ્રચાર માટે અહીં સુધી આવવાની તસ્દી લેતા નથી. તેમ છતાં, તેઓ લોકશાહીના આ પર્વમાં ભાગ લેવા ઉત્સાહિત છે. આ બૂથની ખાસિયત એ છે કે અહીં હંમેશા 100% મતદાન થાય છે, કારણ કે એકમાત્ર મત પડતાની સાથે જ મતદાન પૂર્ણ જાહેર કરી શકાય છે.
વર્તમાન સમયમાં જ્યારે અનેક શહેરી વિસ્તારોમાં મતદાનની ટકાવારી નીચી રહેતી હોય છે, ત્યારે બાણેજનું આ ઉદાહરણ સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ છે. વન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વન્યજીવોના હુમલાની શક્યતાને ધ્યાને રાખીને લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 5 હજાર વર્ષ જૂના આ પૌરાણિક સ્થળે જ્યારે લોકશાહીનો અવાજ ગુંજશે, ત્યારે તે ફરી એકવાર સાબિત કરશે કે ભારતમાં એક સામાન્ય નાગરિકના મતાધિકારનું મૂલ્ય કેટલું અનન્ય છે. શાસન વ્યવસ્થામાં પોતાની ભાગીદારી નોંધાવવા માટે મહંત હરિદાસ બાપુ સજ્જ છે, જે દેશના કરોડો મતદારોને જાગૃતિનો સંદેશ પાઠવશે.
.
(2:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
