તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th September 2026
પાંચ દિવસીય કામકાજ સહિતની વિવિધ માગણીઓને લઈને બેંક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ: એક જ દિવસમાં કચ્છમાં ₹૫૦૦ કરોડથી વધુના આર્થિક વ્યવહારો ઠપ્પ
જિલ્લાના ૧૨૦૦થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા વિરોધમાં: ભુજમાં બેંક ઓફ બરોડા રિજિયોનલ ઓફિસ સામે કર્મચારીઓએ કર્યા સૂત્રોચ્ચાર

ભુજ : બેંક કર્મચારીઓ અને અધિકારીઓના લાંબા સમયથી પડતર પ્રશ્નો તેમજ અગાઉ થયેલા દ્વિ-પક્ષીય કરારોના યોગ્ય અમલીકરણની માગ સાથે યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) ના આહ્વાન પર યોજાયેલી રાષ્ટ્રવ્યાપી હડતાળની વ્યાપક અસર કચ્છ જિલ્લામાં જોવા મળી છે. આ વિરોધ પ્રદર્શનને પગલે સરકારી અને ખાનગી ક્ષેત્રની બેંકોમાં કામગીરી સંપૂર્ણપણે સ્તબ્ધ થઈ ગઈ હતી, જેના કારણે એક જ દિવસમાં કચ્છભરમાં અંદાજે ₹૫૦૦ કરોડથી વધુના નાણાકીય વ્યવહારો અટવાઈ પડ્યા હતા અને સામાન્ય જનતાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
આ આંદોલનના ભાગરૂપે કચ્છ જિલ્લાના આશરે ૧૨૦0થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓ પોતાના કામકાજથી અળગા રહ્યા હતા. જિલ્લા મથક ભુજ ખાતે આવેલી બેંક ઓફ બરોડાની રિજિયોનલ ઓફિસ સામે ૨૦૦થી વધુ કર્મચારીઓએ એકત્ર થઈને તંત્ર અને સરકાર સામે ઉગ્ર દેખાવો તેમજ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ યુનિયનના નીલેશ મહેતા, રિતેશ શાહ, જિજ્ઞેશ કંસારા, રાજેશ ચૌહાણ અને યુવરાજસિંહ ઝાલા સહિતના અગ્રણીઓએ કર્યું હતું.
બેંક સંગઠનોના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે ૮ માર્ચ ૨૦૨૪ના રોજ થયેલી દ્વિ-પક્ષીય સમજૂતી મુજબ અઠવાડિયામાં તમામ શનિવારે રજા જાહેર કરવા અને તેના બદલામાં રોજના કામકાજના સમયમાં ૪૦ મિનિટનો વધારો કરવાની સંમતિ સધાઈ હતી. આ ભલામણ કેન્દ્ર સરકારને મોકલી આપવામાં આવી હોવા છતાં હજુ સુધી તેને આખરી મંજૂરી આપવામાં આવી નથી. આ ઉપરાંત, કર્મચારીઓ માટેની ભેદભાવયુક્ત પ્રોત્સાહક (ઈન્સેન્ટિવ) યોજનાઓ અને અન્ય પડતર પ્રશ્નોનો કોઈ ન્યાયી ઉકેલ ન આવતાં બેંકિંગ આલમમાં ભારે રોષ વ્યાપ્યો છે.
યુએફબીયુ (UFBU) દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો તેમની વાજબી માગણીઓ સત્વરે નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે. જે અંતર્ગત ૨૮, ૨૯ અને ૩૦ સપ્ટેમ્બરના રોજ સતત ત્રણ દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાળ પાડવામાં આવશે અને તેમ છતાં પ્રશ્નો ઉકેલાશે નહીં તો ૨૬ ઓક્ટોબર ૨૦૨૬થી દેશભરમાં અનિશ્ચિત મુદતની હડતાળ શરૂ કરાશે. ગુજરાત બેંક વર્કર્સ યુનિયને પણ આ તબક્કાવાર આંદોલનને પોતાનો પૂર્ણ ટેકો જાહેર કર્યો છે.
(7:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
