<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th October 2026

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે મોરબીના રાજમાર્ગો પર યોજાઈ ઠાકોરજીની અવિસ્મરણીય, ઐતિહાસિક, ભવ્યાતિભવ્ય શોભાયાત્રા.

500 સંતો અને 11,000થી વધુ હરિભક્તોની ઉપસ્થિતિમાં કલાત્મક રથો, સાંસ્કૃતિક નૃત્યો અને ભક્તિના નાદથી ગુંજી ઉઠ્યા મોરબીના રાજમાર્ગો: 6.5 કિ.મી. લાંબા રૂટ પર નગરજનોએ પુષ્પવર્ષા અને રંગોળીઓથી ઠાકોરજીને વધાવ્યા.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ગાંધીનગર અને દિલ્હી અક્ષરધામ જેવા અનેક મંદિરોના નિર્માણ દ્વારા સનાતન સંસ્કૃતિનું ગૌરવ વધારનાર સંત બ્રહ્મસ્વરૂપ ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજના શુભ સંકલ્પથી અને અમેરિકા, અબુધાબી તથા પેરિસ જેવા વિશ્વવિખ્યાત મંદિરોના સર્જક પ્રગટ બ્રહ્મસ્વરૂપ ગુરુહરિ મહંતસ્વામી મહારાજના પુરુષાર્થથી મોરબીને આંગણે મચ્છુ નદીના તટે ગુલાબી પથ્થરનું ભવ્ય અને દિવ્ય બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર નિર્માણ પામ્યું છે. આજે તા. 25/10/2026, રવિવારે યોજાનાર ભવ્ય મૂર્તિપ્રતિષ્ઠા વિધિના પૂર્વાર્ધ રૂપે, ગઈકાલે શનિવારે તા. 24/10/2026ના રોજ નૂતન મંદિરમાં પ્રતિષ્ઠિત થનાર ઠાકોરજીની મૂર્તિઓની ભવ્ય શોભાયાત્રા શહેરના તમામ પ્રજાજનો ઉપર આશીર્વાદ વરસાવવા માટે મોરબીના રાજમાર્ગો પર નીકળી હતી.
આ ઐતિહાસિક શોભાયાત્રાના પ્રારંભે વડીલ સંતો અને મહાનુભાવો દ્વારા સુશોભિત રથની પૂજનવિધિ કરી, શાંતિપાઠના ગાન બાદ રથયાત્રાનું મંગલ પ્રસ્થાન ક૨ાવવામાં આવ્યું હતું. આ યાત્રામાં ભારત અને વિદેશના હજારો હરિભક્તો, સ્વયંસેવકો તથા મોરબીવાસીઓ અદમ્ય આનંદ, ઉત્સાહ અને ઉમંગ સાથે જોડાયા હતા. સમગ્ર શોભાયાત્રામાં 500 સંતો, 5000 પુરુષ ભક્તો અને 6000 મહિલા ભક્તો સહિત વિશાળ જનમેદની જોડાઈ હતી, જેણે મોરબીવાસીઓમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું.
શોભાયાત્રાના મુખ્ય આકર્ષણો અને કલાત્મક રથો.
નૂતન મંદિરમાં પ્રતિષ્ઠિત થનાર ભગવાનના પવિત્ર સ્વરૂપો અને ગુણાતીત ગુરુપરંપરાની દિવ્ય મૂર્તિઓએ અતિ સુંદર અને આકર્ષક રથોમાં બિરાજમાન થઈને નગરજનોને દર્શન આપ્યા હતા:.
હંસ રથ: શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજ અને સ્વામીશ્રી
મયૂર રથ: શ્રી રાધાકૃષ્ણ ભગવાન
સિરામિક રથ: શ્રી નીલકંઠવર્ણી મહારાજ (મોરબીની સિરામિક કલાની ઝાંખી સાથે)
મચ્છુ રથ: શ્રી ઘનશ્યામ મહારાજ

કૈલાસ રથ: શિવ પંચાયતન
સૂર્ય રથ: રામ પંચાયતન
ગુરુપરંપરાના વિશેષ રથો: પ્રમુખસ્વામી મહારાજનો કમલ રથ, મહંતસ્વામી મહારાજનો ફાઈબર મયૂર રથ, ભગતજી મહારાજનો કમલ રથ તેમજ કુટિર રથ.
આ શોભાયાત્રામાં ભક્તિની સાથે ભારતીય સંસ્કૃતિ અને સમાજ ઉત્થાનનો અદભુત સંગમ જોવા મળ્યો હતો.
સમાજલક્ષી ફ્લોટ્સ (રથો): મંદિરના સમાજને પ્રદાનને દર્શાવતા વિશેષ રથો જેવા કે સનાતન ધર્મ મહિમા, સમાજ સેવાના કાર્યો, સંસ્કાર શિક્ષણ પ્રવૃત્તિ, વ્યસન મુક્તિ અભિયાન અને નારી શક્તિનું પ્રદર્શન. લોકનૃત્ય અને સંગીત: રાજકોટ, મોરબી અને ગોંડલની નૃત્ય મંડળીઓ તેમજ સેલવાસ, દાહોદ અને ખેડબ્રહ્માની આદિવાસી મંડળીઓના પરંપરાગત નૃત્યો.
બાળ-યુવા અને મહિલા ભક્તોની પ્રસ્તુતિ: બાળકો અને યુવાનો દ્વારા લેઝીમ દાવ, પ્લેકાર્ડ અને અવનવી વેશભૂષા સાથે સજ્જ બાળકો, બેન્ડ વાજા અને ડી.જે. (DJ) સિસ્ટમના તાલે નૃત્ય ક૨તા યુવક-યુવતીઓ તથા ભજન-કીર્તન કરતા વડીલો અને મહિલાઓ. આ અવનવા આકર્ષણો નિહાળીને મોરબીવાસીઓ મંત્રમુગ્ધ થયા હતા.
આ શોભાયાત્રા બપોરે રામેશ્વર પાર્ટી પ્લોટથી શરૂ થઈ ગોલ્ડન માર્કેટ, કેપિટલ માર્કેટ, બાપા સીતારામ ચોક, ગાંધી ચોક, નહેરુ ગેટ, મહાનગરપાલિકા, પોસ્ટ ઓફિસ અને શક્તિ ચોક ગરબી મંડળ થઈને બેઠા પુલ નીચેથી પસાર થઈ કુલ 6.5 કિલોમીટરનું અંતર કાપી નૂતન બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે વિરામ પામી હતી. સમગ્ર રૂટ પર આવેલ દુકાનો, શો-રૂમ, ઓફિસો અને રહેણાંક વિસ્તારોના ભાવિકો તેમજ શહેરના વિવિધ સ્પોટ પર અનેક સમાજના અગ્રણીઓ, સોસાયટીના પદાધિકારીઓ અને રાજકીય હોદ્દેદારોએ રંગોળીઓ પૂરીને, આરતી ઉતારીને તથા ફૂલોની પાંખડીઓથી પુષ્પવર્ષા ક૨ીને શોભાયાત્રાને ભાવભેર વધાવી હતી.

(5:05 PM IST)