News of Friday, 18th September 2026
ભાવનગરમાં ‘બીચ બંધુ’ અભિયાન બન્યું જનભાગીદારીનું પ્રેરણાદાયી માધ્યમ
કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાની ઉપસ્થિતિમાં કોળીયાક બીચ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભાવનગર જિલ્લામાં છેલ્લા એક વર્ષથી દરિયાકિનારાની સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ માટે ‘બીચ બંધુ’ અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાનને વધુ વ્યાપક જનભાગીદારી સાથે આગળ ધપાવવાના હેતુથી ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાની ઉપસ્થિતિમાં ઘોઘા તાલુકાના કોળીયાક બીચ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. આ પ્રસંગે દરિયાકિનારેથી પ્લાસ્ટિકનો કચરો, બોટલો, થેલીઓ સહિતનો ઘન કચરો એકત્રિત કરી સ્વચ્છતા અને પ્લાસ્ટિકમુક્તપર્યાવરણનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ અવસરે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલું ‘બીચ બંધુ’ અભિયાન હવે જનભાગીદારીનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. દરિયાકિનારાની સ્વચ્છતા માત્ર સરકાર કે કોઈ એક સંસ્થાની જવાબદારી નથી, પરંતુ સમાજના સૌ નાગરિકોની સામૂહિક જવાબદારી છે. દરિયામાં પહોંચતું પ્લાસ્ટિક જળચર જીવસૃષ્ટિ માટે ગંભીર જોખમ ઊભું કરે છે, ત્યારે સ્વચ્છતા સાથે દરિયાઈ પર્યાવરણનું જતન કરવું પણ આપણી ફરજ છે.”
તેમણે યુવાનોને આ અભિયાન સાથે જોડાવા આહવાન કરતાં જણાવ્યું હતું કે, યુવાનો પ્રકૃતિ સાથે જોડાય અને સ્વચ્છતા પ્રવૃત્તિમાં સક્રિય સહભાગી બને તે ‘બીચ બંધુ’ અભિયાનનો મહત્વપૂર્ણ હેતુ છે. દેશભરના નાગરિકો વોટ્સએપના માધ્યમથી પ્રાપ્ત થતી લિંક પર જરૂરી વિગતો ભરી સરળતાથી આ અભિયાન સાથે જોડાઈ શકે છે. વિવિધ વર્ગો અને સંસ્થાઓની સહભાગિતા સ્વચ્છતા તથા પર્યાવરણ સંરક્ષણના સંદેશને વધુ વ્યાપક બનાવે છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત’ના સંકલ્પમાં જનભાગીદારીને મહત્વપૂર્ણ ગણાવી તેમણે વધુમાં વધુ નાગરિકોને ‘બીચ બંધુ’ બની આ જનઅભિયાન સાથે જોડાઈ સ્વચ્છ દરિયાકિનારા અને સ્વસ્થ દરિયાઈ પર્યાવરણના નિર્માણમાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.
દર મહિનાના છેલ્લા રવિવારે ભાવનગર શહેર અને જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવાનો સંકલ્પ પણ આ પ્રસંગે વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ તકે ઉપસ્થિત સૌ લોકોએ દરિયા કિનારા તેમજ પર્યાવરણની જાળવણી અને સ્વચ્છતા રાખવા માટેના શપથ ગ્રહણ કર્યાં હતા.
આ અભિયાનમાં ડૉ.ગણેશ બારૈયા, માય ભારત ગ્રુપ, ભાવનગર મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ, ઘોઘા સરકારી કોલેજના આચાર્ય-વિદ્યાર્થીઓ ,ગામના સરપંચ, જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યઓ, ચેમ્બર ઓફ કોમર્સ સહિત વિવિધ સંસ્થાઓ અને સંગઠનો જોડાયા હતા
(6:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
