<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

ચોટીલા હાઇવે ઉપર પાણીના કેરબા ભરવા માટે પાર્કીંગ કરાયેલ ટ્રક પાછળ ઘૂસી જતા આઇશરની કેબીનનો ભૂક્કો બોલી ગયો!

કટરથી કાપીને ફસાયેલા આઇશર ચાલકને તંત્ર દ્વારા બહાર કઢાયો

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૨૯: ચોટીલા હાઇવે પર ચામુંડા આવાસ સામે રાત્રિના સમયે એક ગંભીર અકસ્‍માત સર્જાયો હતો. પાણીના કેરબા ભરવા માટે આડેધડ પાર્ક કરાયેલી ટ્રકની પાછળ પૂરપાટ ઝડપે આવી રહેલી આઇસર ગાડી ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ અકસ્‍માતમાં આઇસરનો ચાલક કેબિનમાં ગંભીર રીતે ફસાઈ ગયો હતો.

અકસ્‍માત એટલો ભીષણ હતો કે આઇસરના આગળના ભાગનો કુરચો બોલી ગયો હતો. ચાલકને બહાર કાઢવા માટે તાત્‍કાલિક મામલતદાર સહિતનો વહીવટી સ્‍ટાફ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્‍થળે દોડી આવી હતી.

પ્રાથમિક માહિતી અનુસાર, હાઇવે પર પીવાના પાણીના કેરબા ભરવા માટે ટ્રક અને બસ ચાલકો પોતાના વાહનો રોડ પર ગમે તેમ આડેધડ પાર્ક કરીને જતા રહે છે. રાત્રિના સમયે આવા જોખમી ર્પાકિંગને કારણે પાછળથી આવતા વાહનોને પાર્ક કરેલા વાહનો દેખાતા નથી.

અકસ્‍માતની જાણ થતાં જ ચોટીલા મામલતદાર સહિતના ઉચ્‍ચ અધિકારીઓ સ્‍થળ પર પહોંચ્‍યા હતા. આઇસરની કેબિન દબાઈ ગઈ હોવાથી ચાલકને બહાર કાઢવા ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી. ફાયર ફાઇટરો અને સ્‍થાનિકોએ કલાકોની જહેમત બાદ કટરની મદદથી કેબિન કાપીને ચાલકને હેમખેમ બહાર કાઢયો હતો. ગંભીર રીતે ઘાયલ ચાલકને તુરંત હોસ્‍પિટલે ખસેડવામાં આવ્‍યો હતો.

આ ભીષણ અકસ્‍માતના પગલે ચોટીલા હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. કલાકો સુધી ટ્રાફિકજામ રહેતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. વહીવટી તંત્ર, પોલીસ અને ફાયર બ્રિગેડની સંયુક્‍ત કામગીરી બાદ અકસ્‍માતગ્રસ્‍ત વાહનો હટાવી ટ્રાફિક પૂર્વવત કરાયો હતો.(૨.૭)

(11:01 AM IST)