<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

બેલા આમરણમાં ‘તું કેમ મારા ભેગો કામે નથી આવતો?' તેમ કહી આરીફની બેફામ ધોલધપાટઃ નેણ પર ફ્રેકચર

શેરીમાં લગ્ન પ્રસંગ હોઇ મિત્રો સાથે બેઠો હતો ત્‍યારે અચાનક ધસી આવેલા ઇકબાલે મારામારી કરી માથુ પકડી જમીન અને દિવાલમાં અથડાવ્‍યું: સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્‍યોઃ અગાઉ સાથે કામ કરતાં ત્‍યારે પૈસા બાબતે ડખ્‍ખો થતાં આરીફે તેની સાથે કામે જવાનું છોડી દીધુ હતું તેનો ખાર રાખી તૂટી પડયોઃ મોરબી તાલુકા પોલીસે ફરિયાદ દાખલ કરી

 

રાજકોટ તા. ૧૭: મોરબી તાલુકાના બેલા આમરણ ગામે પૈસાની લેતી દેતી અને સેન્‍ટીંગ કામ કરવા સાથે ન જવા મામલે  યુવાન પર પાડોશમાં જ રહેતાં શખસે હુમલો કરી ઢીકાપાટુનો માર મારી તેનું માથું જમીનમાં અને દિવાલ સાથે ભટકાવી ઇજાઓ પહોંચાડતાં જમણા નેણ પાસે ફ્રેકચર થઇ જતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.

જાણવા મળ્‍યા મુજબ બેલા આમરણ ગામે રહેતાં અને સેન્‍ટીંગ કામની મજૂરી કરી ગુજરાન ચલાવતાં આરીફ હાજીભાઇ જામ-મિંયાણા (ઉ.વ.૨૫)ને તેના ઘર પાસે જ રહેતાં ઇકબાલ ઉમરભાઇ જામ નામના શખ્‍સે બેફામ માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે મોરબી તાલુકા પોલીસમાં જાણ કરી હતી.

ફરિયાદની વિગત મુજબ ૧૫મીએ  રાત્રિના આશરે દસેક વાગ્‍યે આરીફ   પોતાના મિત્રો સાથે ગામની શેરીમાં લગ્નનો પ્રસંગ હોવાથી જમીને બેઠો હતો. તમામ મિત્રો વાતોચીતો કરી રહ્યા હતા તે દરમિયાન રાત્રિના અગિયાર વાગ્‍યાની આસપાસ ગામનો જ ઈકબાલ ઉમરભાઈ જામ નામનો શખ્‍સ ત્‍યાં ધસી આવ્‍યો હતો. ઈકબાલે ત્‍યાં આવીને આરીફને ગાળો ભાંડવાનું શરૂ કર્યું હતું અને ‘તું કેમ મારી સાથે કામે નથી આવતો?' તેમ કહીને ઝઘડો આદર્યો હતો. આરીફે ગાળો બોલવાની ના પાડતા ઇકબાલ વધુ એકદમ ઉશ્‍કેરાઈ ગયો હતો અને આરીફના શર્ટનો કાઠલો પકડીને બેફામ ઢીકાપાટુનો માર મારવા લાગ્‍યો હતો.

આ પછી ઈકબાલે વાળ પકડી આરીફને નીચે પાડી દીધો હતો. ત્‍યારબાદ માથું જમીન સાથે અને બાજુમાં આવેલી દીવાલ સાથે જોરજોરથી ભટકાવતાં તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તે બેભાન થઇ ગયો હતો. બનાવ બનતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્‍કાલિક ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સને જાણ કરવામાં આવી હતી. યુવકના મોટા ભાઈ અને માતા તેને સારવાર માટે હોસ્‍પિટલ લઈ જઈ રહ્યા હતા ત્‍યારે અધવચ્‍ચે આરીફ થોડો ભાનમાં આવ્‍યો હતો.  ત્‍યારે તેણે કહ્યું હતું કે  થોડા વર્ષો પહેલાં પોતે  ઈકબાલ સાથે સેન્‍ટિંગના કામે જતો હતો. તે સમયે મજૂરીના પૈસા બાબતે બંને વચ્‍ચે વાંધો પડ્‍યો હતો, જેથી તેણે તેની સાથે કામે જવાનું બંધ કરી દીધું હતું. આ બાબતની દાઝ રાખીને ઇકબાલે હુમલો કર્યો હતો.

તેને મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં મોરબી તાલુકા પોલીસ સ્‍ટેશનનાહેડકોન્‍સ. અનીલભાઇ પરમારે તેની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. (૧૪.૫)

(11:10 AM IST)